- કમલ રાવ
દિપાવલિ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીની મુલાકાતે પધારેલા લંડનના મેયર સાદિક ખાને ગરવી ગુજરાતને આપેલી એક એક્સક્લુસિવ મુલાકાતમાં દિવાળી પર્વ વિષેની પોતાની વ્યક્તિગત યાદોને તાજી કરતા કહ્યું હતું કે ‘’હું હિંદુ અને શિખ મિત્રો સાથે ઉછર્યો છું તેથી, હું પ્રકાશના પર્વને ઉજવુ છું. હું રામ અને સીતાની તથા ભગવાન ગણેશજીની વાર્તાઓ પણ જાણું છું. મને નાનો હતો ત્યારથી રામ અને સીતા દેશનિકાલ પછી પાછા આવે છે અને કઇ રીતે દિવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા તેની માહિતી છે. આ તહેવાર હિન્દુઓ ઉપરાંત શીખો અને જૈનો માટે પણ મહત્વપૂર્ણ છે જે સૌને એકસાથે લાવે છે.’’
સમર રાયટ્સ અને કોમી સંવાદિતા બાબતે સાદિક ખાને જણાવ્યું હતું કે ‘’મને લાગે છે કે આપણે આ સમરમાં આખા દેશમાં જે જોયું તે ખતરનાક હતું. તે ભયાનક રમખાણો હતા. સાઉથપોર્ટમાં થયેલી ભયાનક હત્યાઓનો ફાર રાઇટ તોફાનીઓએ લાભ લીધો હતો. પણ લંડનનો પ્રતિસાદ ખૂબ જ જોરદાર હતો. અહિં એકતા અને મિત્રતાની ભાવના હતી. આ પ્રકારના રેસીઝમને ના કહીને લંડન એકસાથે આવ્યું હતું. આપણે હંમેશા જાગ્રત રહેતા હોવા છતાં કેટલાક લોકો એવા પણ છે જે આપણા સમુદાયોને વિભાજીત કરવાનો પ્રયાસ કરે છે.’’
ખાને કહ્યું હતું કે ‘’આજે અહિં દિવાળીનો આનંદ છવાયેલો છે. હિન્દુઓ, શીખો અને જૈનો દ્વારા દિવાળી ઉજવવામાં આવે છે, પરંતુ બાકીના ધર્મના લોકો પણ આ અદ્ભુત તહેવાર ઉજવે છે. કારણ કે દિવાળી અંધકાર પર પ્રકાશ, અનિષ્ટ પર સારપ, અજ્ઞાન પર જ્ઞાન અને દુશ્મની પર મિત્રતાનો ઉત્સવ છે. આ ઉત્સવ એકસાથે આવવાનો અને પોતાને યાદ અપાવવાનો ખરેખર મહત્વનો સમય છે કે આપણે વિભાજન કરતાં વધુ એકતામાં માનીએ છીએ. તમે આખા લંડનમાં વર્ષના આ સમયે ફટાકડા અને આતશબાજી જુઓ છો, જે માત્ર ગાય ફોક્સ માટે જ નહીં, દિવાળી માટે પણ હોય છે. તે અદ્ભુત છે.’’
મંદિરના સારા કાર્યો, મંદિરો વિશેના વિચારો અને તાજેતરની પરિસ્થિતિઓમાં મંદિરો, ગુરુદ્વારાઓ અને મસ્જિદો વધુ સારું શું કરી શકે તે અંગે ઉત્તર આપતા શ્રી ખાને કહ્યું હતું કે ‘’મને લાગે છે કે પૂજા સ્થાનો ખાસ કરીને હિંદુ મંદિરો, સીખ ગુરૂદ્વારાઓ, મુસ્લિમ મસ્જિદો, ખ્રિસ્તી ચર્ચો, યહૂદીઓના સિનાગોગ્સ અદ્ભુત સ્થાનો છે. માત્ર એટલા માટે નહીં કે તેઓ સમુદાયને એક સાથે લાવે છે, પરંતુ તે સમુદાય માટે એક શ્રેષ્ઠ હબ છે. તેઓ સમુદાયો માટે એક દીવાદાંડી છે. વાસ્તવમાં, તમે જાણો છો તેમ આમાંના મોટાભાગના ધર્મો એક સુવર્ણ દોરાથી પરોવાયેલા છે. તે શિખવે છે કે અન્ય લોકો સાથે એવું વર્તન કરો જે તમે પોતાના માટે ઇચ્છો છો. તે ખરેખર સારો સંદેશ છે.’’
સમુદાય વિશે તમે શું વિચારો છો? શું સમાજ વર્તમાન પરિસ્થિતિમાં કોઈ ફરક પડી શકે છે? તેના પ્રશ્નનો ઉત્તર આપતા સાદિકે જણાવ્યું હતું કે ‘’જુઓ, સમાજ બહુ મોટો તફાવત લાવી શકે છે. હિંદુ સમુદાય અને અન્ય સમુદાયો ધાર્મિક એકતા બનાવે છે, લોકોને આ માટે શિક્ષિત કરે છે. ઉદાહરણ તરીકે આ મંદિર બેઘર લોકોને ભોજન આપે છે, યુવાનો માટે સુવિધા પુરી પાડે છે તથા આ મંદિરે રોગચાળા દરમિયાન રસીકરણ કરાવ્યું હતું. આ મંદિર દ્વારા રક્તદાન કરાવાય છે. સમગ્ર લંડનમાં, સમગ્ર દેશમાં અન્ય મંદિરો અન્ય ધાર્મિક સ્થાનોની સાથે અદ્ભુત સેવા કાર્યો કરે છે અને આપણે ખાતરી કરવી પડશે કે આપણે કેટલાક લોકોને આપણાં સમુદાયોને વિભાજિત કરવાની મંજૂરી આપતા નથી. મને આ વિકેન્ડમાં ટ્રફાલ્ગર સ્ક્વેરમાં ઇસ્લામિક આસ્થાના વ્યક્તિ – એક મેયર તરીકે દિવાળીની ઉજવણી કરવા માટે ખરેખર ગર્વ થતો હતો. જે ઉત્સવ લોકોને એક સાથે લાવે છે તે મારા માટે ખરેખર મહત્વપૂર્ણ છે.’’