લંડનના મેયર સાદિક ખાને તા. 31ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર અને શ્રી મુક્તજીવન સ્વામીબાપા સંકુલ, કિંગ્સબરીની મુલાકાત લઇ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મંદિરના ભક્તો સાથે દિવાળી પર્વની શાનદાર ઉજવણી કરી હતી.

લંડનના મેયર સાદિક ખાને પોતાના પ્રવચનની શરૂઆતમાં સૌને જય શ્રી સ્વામીનારાયણ અને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવતા હળવા મૂડમાં જણાવ્યું હતું કે ‘’સ્વામી બાપા પાઈપ બેંડની સુરીલી ધૂનો સાંભળીને મને આનંદ થયો. તેમણે ‘કલ હો ન હો’ અને ‘કોઇ મીલ ગયા’ની ધૂનો વગાડી મારૂ દિલ જીતી લીધું છે. ‘માય નેમ ઈઝ ખાન’ પણ હું શાહરૂખ ખાન નહીં પણ સાદિક ખાન છું. આજે તમારી સાથે અહીં પાછા આવીને તમારી સાથે દિવાળીના અદ્ભુત તહેવારની ઉજવણી કરવાનો મને આનંદ છે. આપણે આજે ખૂબ જ સુંદર મંદિરમાં દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. આ મંદિર આ વર્ષે કિંગ્સબરી ખાતે પોતાની સ્થાપનાના 10 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તે કેટલું આવકારદાયક છે. અહીં માત્ર મેયર કે ઇસ્લામિક આસ્થાના એક મુસ્લિમ તરીકે મારુ સ્વાગત તો થાય જ છે પણ યહૂદી ધર્મના સાંસદ સારાહ સેકમેન અને ખ્રિસ્તી ધર્મ પાળતા સંસદ સભ્ય બેરી ગાર્ડનરનું પણ સ્વાગત થાય છે. આને આજ હિન્દુ ધર્મ અને મંદિરની મહાનતા છે. તમારી પાસે અહિં એની ક્લાર્ક, કૃપેશ હરાણી, અન્ય ખ્રિસ્તીઓ, હિંદુઓ, બધાનું આજે સાંજે અહીં સ્વાગત થાય છે. અને તે હિંદુ ધર્મ અને સ્વામીજીના ઉપદેશની શક્તિ છે. તમે દુનિયાને બતાવો છો કે વાસ્તવમાં આપણને વિભાજિત કરવા કરતાં ધર્મ સૌને વધુ એક કરે છે, અને પ્રકાશનો આ તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.’’

સાદિક ખાને કહ્યું હતું કે ‘’જ્યારે તમે આ સંકુલ અને તમારા મંદિરના દરવાજા ખોલો છો, ત્યારે તમે તમારા ધર્મની શક્તિથી બિન-હિંદુઓને પણ શિક્ષિત કરો છો. તમે નોર્થ વેસ્ટ લંડન જ નહિં ખરેખર, આ અદ્ભુત દેશમાં ગુજરાતના ઉપદેશો લાવો છો. તમે જે કરો છો તેના માટે આભાર. મહેશભાઈનો અને ટ્રસ્ટીઓનો આભાર, સ્વામીજીનો આભાર. દિવ્યતાની ઉજવણી કરવા માટે અહીં આવવા બદલ તમારો સૌને, અને હું આ યુવાનોનો પણ આભાર માનું છું. તમારી પાસે વિશ્વના શ્રેષ્ઠ સ્વયંસેવકો છે. આ જોતાં એક ગૌરવપૂર્ણ લંડનર, ગૌરવપૂર્ણ હિંદુ અને પાઈપર બેન્ડ વગાડવું શક્ય બને છે. હું તમારો આભાર માનીને સમાપ્ત કરવા માંગુ છું.’’

તેમણે કહ્યું હતું કે ‘’હું અહીં એક અગત્યના મુદ્દા પર વાત કરીશ કે રોગચાળા દરમિયાન આ મંદિર  પશ્ચિમી વિશ્વમાં પહેલું મંદિર હતું જેણે તમારા દરવાજા ખોલ્યા હતા અને લોકોને રસીઓ આપી હતી. આ મંદિરે લોકોનું જીવન બચાવ્યું હતું. તમે લોકોને મફત ભોજન આપ્યું હતું તો યુવાનોને સુવિધાઓ આપવા માટે તમારા દરવાજા ખોલ્યા છે. તમે અમારા સમુદાય માટે ઘણું કરો છો. અને હું આ કહેવા માંગુ છું કે તમારી પાસે લંડનનું જ નહિં દેશનું, વિશ્વનું શ્રેષ્ઠ પાઇપ બેન્ડ છે. જય શ્રી સ્વામિનારાયણ.’’

આ પ્રસંગે સાદિક ખાને મુક્તજીવન સ્વામીબાપા પાઇપર બેન્ડના સંગીતની સુરાવલિઓનો આનંદ માણ્યો હતો અને ભોજન હોલમાં ભોજન પીરસવામાં તેમજ આલુ પાપડી ચાટ અને ભેળ બનાવવા માટે સ્વંયસંવકોને મદદ પણ કરી હતી. સાદિક ખાને મંદિરના અન્નકૂટના દર્શન કરી હોલમાં પ્રદર્શનને પણ જોયું હતું અને કેટલાય ભક્તો સાથે સેલ્ફી ફોટોઝ ખેંચાવ્યા હતા.

LEAVE A REPLY