ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલા દિવાળી સ્નેહમિલનમાં પ્રવચન આપતા વડા પ્રધાન કેર સ્ટાર્મરે કહ્યું હતું કે “આપ સૌ અહીં આવવા માટે હક્કદાર છો કારણ કે આ અમારી સેવાની સરકાર છે, તે તમારી સેવાની સરકાર છે, અને આ સ્થળ જેટલું અમારૂ છે તેટલું જ તમારું પોતાનું છે એમ માનવું જોઈએ.”

પાછલા વર્ષોમાં દેશભરમાં દિવાળીના કાર્યક્રમોમાં ઉષ્માભર્યો આવકાર મેળવ્યા પ છી, અને મંદિરો અને કોમ્યુનિટી સેન્ટર્સમાં પણ રોગચાળા દરમિયાન લોકોને ટેકો આપવા માટે હિન્દુ સમાજે જે કામ કર્યું હતું તેને નજરે જોનાર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ભારતીય સમુદાયનું હંમેશા સ્વાગત કરવામાં આવશે.

સ્ટાર્મરે જણાવ્યું હતું કે “તમારે જાણવું જોઈએ કે તમારું અહીં માત્ર સ્વાગત જ થતું નથી, તમે અહીં સરકારના હૃદયમાં છો. મેં ચૂંટણીના બીજા દિવસે ડાઉનિંગ સ્ટ્રીટના પગથિયાં પર કહ્યું હતું કે, અમે સેવા કરતી સરકાર બનીશું, અને તેનો અર્થ એ છે કે અમે આપણા તમામ સમુદાયોની સેવા કરીશું. અમારી સરકાર ભારતીય સમુદાય સાથે કામ કરશે અને “સખત પરિશ્રમ, સન્માન અને સેવા”ના તેમના સહિયારા મૂલ્યોના માર્ગદર્શનને અનુસરશે.’’

સમુદાયોને એકસાથે લાવવા પર ભાર મૂકતા વડા પ્રધાને પ્રકાશના પર્વ દિવાળીના ગુણોને ઉજાગર કરતા કહ્યું હતું કે “એકસાથે આવવાનો સમય અને અંધકાર પર વિજય મેળવતા પ્રકાશ પર આપણી નજર સ્થિર કરવાનો સમય એટલે દિવાળી. તે ખૂબ જ ગહન બાબત છે જેના પર ફક્ત વિચાર કરવો જોઈએ. કારણ કે તે આજે વિશ્વમાં ખરેખર મહત્વપૂર્ણ છે અને તેમાં કોઈ શંકા નથી કે આપણે પહેલા કરતા વધુ અસ્થિર વિશ્વમાં રહીએ છીએ.”

સ્ટાર્મરે કહ્યું હતું કે “આખી દુનિયામાં ઘણો અંધકાર હોય તેવું લાગે છે ત્યારે અંધકારને દૂર કરીને પ્રકાશની ઉજવણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે આપણને આશા આપે છે અને આપણને સ્થિર કરે છે. તે આશા સાથે અમને આનંદ આપે છે જે તમારી સેવાને આગળ ધપાવે છે, પરંતુ તમારી સખત મહેનત, તમારી મહત્વાકાંક્ષા, તમારી આકાંક્ષા અને સારા ભવિષ્યની આશા પણ આપે છે. અને તે આશા છે જે આ સરકારને પણ આગળ ધપાવે છે, સારા ભવિષ્યની આશા છે.”

આ પ્રસંગે દીપ પ્રાગટ્ય પછી ભક્તિવેદાંત મનોરના વડા વિશાખા દાસી અને નીસડનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના હેતલ પટેલ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

મિનિસ્ટર ફોર માઇગ્રેશન એન્ડ સીટીઝનશીપ અને રેસ ઇક્વાલીટી સીમા મલ્હોત્રાએ અરુણિમા કુમાર ડાન્સ કંપનીનો પરિચય કરાવ્યો હતો જેના કલાકારોએ પરંપરાગત કુચીપુડી નૃત્ય રજૂ કર્યું હતું.

શ્રીમતી મલ્હોત્રાએ કહ્યું હતું કે“અરુણિમા કુમાર અને તેમના વિદ્યાર્થીઓ, આરુષિ અને ઐશ્વર્યાનું પ્રદર્શન દૈવી સ્ત્રી ઊર્જાનું નિરૂપણ કરે છે, ત્યારબાદ ભગવાન રામનું ચરિત્ર દર્શાવે છે, જે સચ્ચાઈ અને અખંડિતતાના મૂલ્યોને મૂર્ત બનાવે છે. તે અનિષ્ટ પર સારાની જીત અને અંધકાર પર પ્રકાશનું પ્રતીક છે જેને દિવાળી રજૂ કરે છે.”

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ અને નાયબ વડા પ્રધાન એન્જેલા રેનર, હેલ્થ સેક્રેટરી વેસ્ટ સ્ટ્રીટિંગ, વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી લિઝ કેન્ડલ, ગ્લેમોર્ગન વેલના એમપી કનિષ્ક નારાયણ, ગ્લાસગો સાઉથના એમપી ડૉ. ઝુબીર અહેમદ, સ્મેથવિકના એમપી ગુરીંદર સિંઘ જોસન અને વુલ્વરહેમ્પટન નોર્થ ઈસ્ટના સાંસદ સુરીના બ્રેકનબ્રિજ સહિત ઘણા નવા એશિયન સાંસદો ઉપસ્થિત રહ્યા હતા.

તો ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, લોર્ડ જીતેશ ગઢિયા, લોર્ડ કરણ બિલિમોરિયા, લોર્ડ નરેન પટેલ અને સુરિન્દર અરોરા સહિતના ઉદ્યોગસાહસિકો, બ્રિટિશ ભારતીય સમુદાયના રિશી ખોસલા, જીતુ પટેલ, સાઇમન અરોરા અને સમુદાયના આગેવાનો પણ ઉજવણીમાં જોડાયા હતા.

એશિયન મીડિયા ગ્રૂપના મેનેજિંગ એડિટર કલ્પેશ સોલંકી ગ્રુપ અને એક્ઝિક્યુટિવ એડિટર શૈલેષ સોલંકીએ વડાપ્રધાનને ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈ અખબારોની દિવાળી એડિશન રજૂ કરી હતી. વડા પ્રધાને સમુદાયના મજબૂત અવાજ તરીકે, વિશેષ આવૃત્તિઓ અને મીડિયા જૂથના કાર્ય માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’આ સમુદાયના યોગદાનથી બ્રિટનમાં લોકોનું જીવન “સમૃદ્ધ” બન્યું છે. અમે આપણાં રાષ્ટ્રીય જીવનમાં, આ દેશમાં બ્રિટિશ ભારતીયોના સમૃદ્ધ યોગદાનની કદર કરીએ છીએ. આપણે બધા કોણ છીએ તેનો તે એક ભાગ છે. તે આપણા બધાને સમૃદ્ધ બનાવે છે, આપણા બધાના જીવનમાં વધુ સારા માટે પરિવર્તન લાવે છે. અમે આપણાં વારસા અને પરંપરાઓનો આદર કરીએ છીએ અને આપણાં સહિયારા મૂલ્યોની તાકાતને ઓળખીએ છીએ.”

સ્ટાર્મરે તેમના પુરોગામી અને ભારતીય વારસાના બ્રિટનના પ્રથમ વડા પ્રધાન ઋષિ સુનકની સિદ્ધિઓ પર પ્રતિબિંબિત કરતાં કહ્યું હતું કે ‘’અમારા રાજકીય તફાવતને બાજુએ મૂકીને આપણા વૈવિધ્યસભર દેશ માટે પ્રથમ બ્રિટીશ એશિયન વડા પ્રધાનને જોવું અતિશય શક્તિશાળી હતું.”

વડા પ્રધાને ઉમેર્યું હતું કે અમે ભારત સાથેના યુકેના “મૂલ્યવાન” સંબંધોને મજબૂત બનાવીશું જે લાંબા અને સહિયારા ઈતિહાસ સાથે લાંબા અને વહેંચાયેલ ભવિષ્યનું નિર્માણ કરશે.

LEAVE A REPLY