પ્રતિકાત્મક તસવીર (istockphoto)

લંડનના બોન્ડ સ્ટ્રીટ સ્ટેશન નજીક એક નવી વિકસિત લક્ઝરી હોટેલને રિફાઇનાન્સની પ્રક્રિયા અટકી પડતાં વેચવા કાઢવામાં આવી છે. £375 મિલિયનના પ્રોજેક્ટને રિફાઈનાન્સ માટેના પ્રયાસો સફળ થયાં નથી અને તેથી આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે મેરીલેબોન લેન પરની ફાઇવ-સ્ટાર બોટ્રી હોટેલ હાલમાં વેચાણ માટે કાઢવામાં આવી છે. બ્રિટિશ ભારતીય ઉદ્યોગસાહસિક ઋષિ સચદેવના શિવા હોટેલ્સ ગ્રૂપની માલિકીની 199 રૂમની આ પ્રોપર્ટી ભૂતપૂર્વ કાર પાર્કની સાઇટ પર બાંધવામાં આવી હતી અને તેને વિકસાવવા માટે £375 મિલિયનનો ખર્ચ થયો હતો. આ પછી 2002માં સ્થાપવામાં આવેલા શિવા હોટેલ્સે તેનું નામ બદલીને પ્લેસ III હોટેલ્સ રાખ્યું હતું.

સપ્ટેમ્બર 2023માં ખોલવામાં આવ્યા પછી પ્લેસ III હોટેલના રિફાઇનાન્સ માટે પ્રયાસ કરી રહ્યું છે.
હોટેલ કેટલા ભાવમાં વેચવામાં આવશે તેની સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ આ પ્રક્રિયામાં સામેલ લોકોના જણાવ્યા અનુસાર હાલના દેવા કરતાં વધુ ભાવ રાખવામાં આવશે. હોટેલના વેચાણ માટે કન્સલ્ટન્ટ જોન્સ લેંગ લાસેલ ઇન્ક. (JLL) નિમણૂક કરાઈ છે, જોકે તેને ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

પ્લેસ IIIના પ્રવક્તાએ સંકેત આપ્યો કે વેચાણ પ્રક્રિયાની સાથે રિફાઇનાન્સિંગના પ્રયાસો ચાલુ છે. શિવા હોટેલ્સે 2016માં લગભગ £100 મિલિયનમાં આ સાઇટ હસ્તગત કરી હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને વધતા વ્યાજ દરોને કારણે મુશ્કેલી ઊભી થઈ હતી.

હોટેલમાં બે રેસ્ટોરન્ટ્સ, ત્રણ બાર, એક વીઆઈપી લેઇટ નાઇટ-વેન્યૂ અને ઈન્ફિનિટી પૂલ ટેરેસ છે. વધુમાં ઉપરના માળને પૂર્ણ કરીને રૂમની સંખ્યા 219 સુધી વધારી શકાય છે.આ વર્ષની શરૂઆતમાં, નજીકની લક્ઝરી હોટેલ, સિક્સ સેન્સ ઇન બેઝવોટર, આશરે £1.7 મિલિયન પ્રતિ રૂમમાં વેચાઈ હતી. જો બો ટ્રીને પણ આવો ભાવ મળશે તો બાકીના દેવાની રકમ નીકળી જશે. આ ઉપરાંત શિવાના પ્રારંભિક રોકાણની થોડી રિકવરી થઈ શકશે.

LEAVE A REPLY