ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં સોમવારે દિવાળી પછી કામ પર પરત ફરી રહેલા મુસાફરોને લઈ જતી ક્ષમતાથી વધુ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા હતા અને 24 ઘાયલ થયાં હતાં. 43 બેઠકોની ક્ષમતાની બસમાં 60 મુસાફરો સવાર હતાં.
ખાનગી ટ્રાવેલ એજન્સી ગઢવાલ મોટર ઓનર એસોસિએશન દ્વારા સંચાલિત બસ ગઢવાલ પ્રદેશના પૌડીથી કુમાઉ પ્રદેશના રામનગર જઈ રહી હતી ત્યારે સવારે 8 વાગ્યાની આસપાસ દુર્ઘટના બની હતી. બસ તેના ગંતવ્ય રામનગરથી 35 કિમી પહેલા અલ્મોડાના મર્ચુલા વિસ્તારમાં 200 મીટરની ખીણમાં પડી ગઈ હતી.
મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો તથા પૌરી અને અલ્મોડાના સહાયક પ્રાદેશિક પરિવહન અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા. આ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ દુઃખ વ્યક્ત કર્યું હતું. વડા પ્રધાને મૃતકોના નજીકના સંબંધીઓ માટે 2 લાખ રૂપિયાની અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ નજીકના પરિવાર માટે 4 લાખ રૂપિયાનું વળતર અને ઘાયલોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
ઘાયલોને રામનગરની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અલમોડા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી વિનીત પાલે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયેલા ચારમાંથી ત્રણને એઈમ્સ, ઋષિકેશ અને એકને હલ્દવાનીની સુશીલા તિવારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.પોલીસ અને રાષ્ટ્રીય અને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના કર્મચારીઓ શોધ અને બચાવ કામગીરી શરૂ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.