મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં નદી પરના કુલ 20માંથી 12 બ્રિજનું નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. નવસારી જિલ્લામાં ખરેરા નદી પરના 120-મીટર લાંબા પુલનું બાંધકામ તાજેતરમાં પૂર્ણ થયું હતું, જે ગુજરાતનો આ પ્રોજેક્ટનો 12 બ્રિજ હતો, એમ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ જણાવ્યું હતું.
મુંબઈથી અમદાવાદ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કુલ 508 કિમી લાંબો છે, જેમાં ગુજરાતમાં 352 કિમી અને મહારાષ્ટ્રમાં 156 કિમીના બુલેટ ટ્રેન કોરિડોરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ હેઠળ મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ-નડિયાદ, અમદાવાદ અને સાબરમતી ખાતે કુલ 12 સ્ટેશનો હશે. બુલેટ ટ્રેનથી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય હાલના 6 થી 8 કલાકથી ઘટી લગભગ 3 કલાક થાય તેવી ધારણા છે.
NHSRCLએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લાના ખરેરા નદી પરના પુલનું નિર્માણ કાર્ય 29 ઓક્ટોબર, 2024એ પૂર્ણ થયું હતું. આની સાથે વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશનો (દક્ષિણ ગુજરાતમાં) વચ્ચેના તમામ નવ બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે. ખરેરા અંબિકા નદીની ઉપનદી છે, જે ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં આવેલા વાંસદા તાલુકાની ટેકરીઓમાંથી નીકળે છે. ખરેરા ઉપરાંત વાપી અને સુરત વચ્ચેની પાર, પૂર્ણા, મીંઢોળા, અંબિકા, ઔરંગા, કોલક, કાવેરી અને વેંગણીયા નદીઓ પર પણ પુલ બનાવવામાં આવ્યા છે.
21 ઓક્ટોબર, 2024 સુધીમાં, પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાનારી સમગ્ર 1,389.5 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે અને ગુજરાતમાં પ્રોજેક્ટ માટેના તમામ સિવિલ અને ડેપો ટેન્ડર આપવામાં આવ્યાં છે. તમામ 12 સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે. NHSRCLએ જણાવ્યું હતું કે સમુદ્રની અંદરથી પસાર થતી 21-કિમીની ટનલનું કામ પણ શરૂ થઈ ગયું છે. આ ટન જમીનથી આશરે 35 મીટર નીચે હબશે. એક ટનલમાં બુલેટ ટ્રેનના અપ અને ડાઉન બંને ટ્રેક આવી જાય તે માટે ટનનો વ્યાસ 12.1 મીટર હશે. ભારતમાં આટલી મોટી વ્યાસની અંડરસી ટનલ પ્રથમ વખત બનાવવામાં આવી રહી છે.