કેનેડાના બ્રેમ્પટનમાં રવિવારે હિન્દુ સભા મંદિરમાં હિન્દુ ભક્તો પર ખાલિસ્તાની તત્વોએ હુમલો કર્યો હતો. ખાલિસ્તાની ઝંડા સાથે હુમલાખોરોએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને તેનાથી નાસભાગ મચી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાની નિંદા કરી હતી. આ હુમલાની ભારતીય દુતાવાસે પણ આકરી ટીકા કરીને પગલાં લેવાની માગણી કરી હતી.
ટ્રુડોએ જણાવ્યું હતું કે બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં થયેલી હિંસા સ્વીકારી શકાય તેમ નથી. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. આ ઘટના પછી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ અને હુમલાની ઘટના પર ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. ઓટાવામાં ભારતીય હાઈ કમિશને પણ આ અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટોરોન્ટો નજીક બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ભારત વિરોધી તત્વોએ ‘ઈરાદાપૂર્વક’ હિંસા કરી હતી. અમે ભારતીય નાગરિકોની સુરક્ષાના મુદ્દે અત્યંત ચિંતિત છીએ.
કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે આ ઘટના દર્શાવે છે કે કેનેડામાં હિંસક ઉગ્રવાદ કેટલો ઊંડો અને બેશરમ બની ગયો છે. હિંદુ-કેનેડિયનોએ સમુદાયની સુરક્ષા અને સલામતી માટે તેમના અધિકારો પર ભાર મૂકવાની અને રાજકારણીઓને જવાબદાર ઠેરવવાની જરૂર છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેનેડાના સરકારીતંત્ર અને કાયદા અમલીકરણ એજન્સીઓ બંનેમાં ઉગ્રવાદી તત્વોએ ઘૂસણખોરી કરી છે.
બ્રેમ્પટનમાં હિંદુ મંદિર પર હિંસક હુમલાના થોડા સમય બાદ ઓટ્ટાવા ખાતેના ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે મંદિરની નજીક કોન્સ્યુલર કેમ્પ યોજવામાં આવી રહ્યો હતો અને રૂટિન રાજદ્વારી વર્ક દરમિયાન આવી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવે તે ખૂબ જ ખેદજનક છે.