(istockphoto.com)

ઉત્તર કોરિયાએ ગુરુવારે અમેરિકાને ટાર્ગેટ કરી શકાય તેવી નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરવા માટે સૈનિકો મોકલવા સામે અમેરિકાએ ચેતવણી આપી તે પછી ઉત્તર કોરિયાએ આ લોંગ રેન્જ મિસાઇલનું પરીક્ષણ કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉને મિસાઇલ પરીક્ષણનો આદેશ આપ્યો હતો અને તેઓ લોન્ચ સાઇટ હાજર રહ્યાં હતાં. તેમણે આ મિસાઇલ પરીક્ષણને ઉત્તર કોરિયાના દુશ્મનોની ચાલનો જવાબ આપવા માટેનો દેશનો સંકલ્પ દર્શાવતી યોગ્ય લશ્કરી કાર્યવાહી ગણાવી હતી.

અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાને પણ આ મિસાઇલની ઓળખ ICBM તરીકે કરી હતી અને તેના પરીક્ષણની નિંદા કરી હતી. આ દેશોએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાની આવાં પગલાંથી તણાવમાં વધારો થશે. યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરવા પોતાના સૈનિકો મોકલવા સામે ઉત્તર કોરિયાને અમેરિકાએ ચેતવણી આપ્યા પછી ઉત્તર કોરિયાએ આ મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું.

કિમે જણાવ્યું હતું કે હું પુષ્ટી આપું છું કે ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (DPRK) તેના પરમાણુ દળોને મજબૂત બનાવવાના તેના વલણમાં ક્યારેય ફેરફાર કરશે નહીં.

દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે જણાવ્યું હતું  કે ઉત્તર કોરિયાએ નવી અને સોલિડ ઈંધણ ધરાવતી લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હશે. બિલ્ટ-ઇન સોલિડ પ્રોપેલન્ટ્સ ધરાવતી મિસાઇલોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનું અને તેને છુપાવવાનું સરળ હોય છે. આ પ્રકારની મિસાઇલથી લિક્વિડ ઇંધણની તુલનાએ સરળથી લોન્ચ કરી શકાય છે. ઉત્તર કોરિયાએ અમેરિકામાં ચૂંટણીના સમય પહેલા આ પરીક્ષણ કર્યું છે અને તેનો હેતુ ભાવિ સોદાબાજીની તેની તાકાતને મજબૂત કરવાનો હોઇ શકે છે. આ મિસાઇલે ઘણા ઊંચા એંગલથી છોડવામાં આવી હતી, જેથી પડોશી દેશોને દેખિતી રીતે ટાળી શકાય.

 

LEAVE A REPLY