વિશ્વના અનેક દેશોમાં વસતા ભારતીયો દ્વારા દિવાળીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ ફડકડા ફોડીને અને ઘર-વેપારી સંસ્થાનોને રોશનીથી શણગારીને માતા લક્ષ્મીની પૂજા કરી હતી. ભારતનાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોએ લોકોને દિવાળીની શુભકામના પાઠવી હતી. યુકે, અમેરિકા, ઇઝરાયેલ, યુએઇ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ભારતીયોએ પ્રકાશના પર્વની ઉજવણી કરી હતી. જોકે અગાઉ દિવાળીની ઉજવણીની તારીખ મામલે આશંકા હતી. પરંતુ એ અગાઉ તેની સ્પષ્ટતા થઇ જતાં તેને 31મીએ ઉજવવાનું નક્કી કરાયું હતું.

યુકેના વડાપ્રધાન કેઅર સ્ટાર્મરે પોતાના શુભકામના સંદેશમાં લખ્યું હતું કે, સમગ્ર બ્રિટનમાં દિવાળીનો તહેવાર ઉજવી રહ્યો છે. દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદે દુનિયાભરમાં દીપાવલી ઉજવી રહેલા લોકોને શુભકામના પાઠવી હતી. ભારત અને યુ.એસ. વચ્ચેના સહિયારા મૂલ્યોને ઉજાગર કરતા પ્રકાશના તહેવાર દિવાળી કરતાં વધુ સારી રજા કોઇ નથી તેમ અમેરિકન એમ્બેસેડર રીચર્ડ વર્માએ કહ્યું હતું.

ભારતમાં હિન્દુઓ ખાસ કરીને આ તહેવારની ઉજવણી કરતા હોય છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન રામ લંકા પર વિજય પ્રાપ્ત કરીને સીતાજી સાથે અયોધ્યા પાછા આવ્યા હતા તેની ખુશીમાં આ ઉજવણી કરાઇ હતી અને તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ વખતે રામની જન્મભૂમિ અયોધ્યા 25 લાખથી વધુ દીવડાથી પ્રગટાવવાથી વધુ ભવ્ય લાગતું હતું. લોકોએ માતા લક્ષ્મીની પૂજા કરીને પરિવારના સભ્યો સાથે સુખ અને સમૃદ્ધિની કામના કરી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે પણ પોતાની શુભકામનામાં એક સત્તાવાર નિવેદન જારી કર્યું હતું. તેમણે એક્સ પોસ્ટ પર લખ્યું કે ‘તમામને પ્રકાશના આ તહેવારની શુભકામના.’ ઇઝરાયેલના વિદેશ પ્રધાન કૈટ્ઝે ભારતીયોની દિવાળીની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે તેમનો દેશ પણ ભારતની જેમ લોકશાહી, આઝાદી અને ઉજ્જવળ ભવિષ્યના દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે.

LEAVE A REPLY