યુકેમાં બૌદ્ધિકો દ્વારા કરવામાં એક નવા વિશ્લેષણના તારણમાં જણાયું હતું કે, દેશમાં પ્રોફેશનલ વર્કર્સની સૌથી વધુ સંખ્યા ધરાવતું વંશીય ગ્રુપ ભારતીયોનું છે. જાહેર નીતિના હેતુઓ માટે વંશીય લઘુમતીઓને દેશમાં એકપક્ષીય ગ્રુપ તરીકે માનવાનું હવે વધુને વધુ અર્થહીન બની રહ્યું છે.
પોલિસી એક્સચેન્જ દ્વારા પ્રકાશિત ‘અ પોર્ટ્રેઇટ ઓફ મોર્ડન બ્રિટનઃ એથનિસિટી એન્ડ રીલિજન’ નામના આ રીપોર્ટમાં દેશના વિવિધ વંશીય ગ્રુપની વસતી વિષયક, શૈક્ષણિક, આરોગ્ય અને આર્થિક પરિસ્થિતિની ઊંડાણપૂર્વકની તપાસ રજૂ કરવામાં આવી છે. આ રીપોર્ટમાં નવી સરકારના નેતૃત્ત્વમાં રાષ્ટ્રીય એકીકરણ વ્યૂહરચનાની માગણી કરવામાં આવી છે, જેમાં બ્રિટનમાં બાળકોને સર્વસમાવેશક રીતે પોતાના રાષ્ટ્રીય વારસા પર ગર્વ કરવાનું શિખવાડવામાં આવશે, જે દેશના ઇતિહાસ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.
રીપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, “પ્રોફેશનલ વર્કર્સની સૌથી વધુ સંખ્યા ધરાવતું વંશીય ગ્રુપ ભારતીયોનું હતું – બ્રિટિશ ભારતીયો પણ ઘરની માલિકીનો સૌથી વધુ દર ધરાવે છે, ભારતીય મૂળના 71 ટકા લોકો એવી મિલકતમાં રહે છે જે તેમની સંપૂર્ણ માલિકીની હોય અથવા મોર્ગેજ/લોન અથવા સંયુક્ત માલિકીની હોય.”
આ રીપોર્ટમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે, “સાઉથ એશિયન જેવી કેટેગરીઝમાં માત્ર બ્રિટનના ભારતીયો, પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ વચ્ચે નોંધપાત્ર આર્થિક અને સામાજિક અસમાનતાને છૂપાવવા માટે જ કામ કરતી નથી – પરંતુ તેનો અર્થ એ પણ છે કે, આ મોટા ગ્રુપોમાં વૈવિધ્યતાના વાસ્તવિક સ્વરૂપો ક્યારેક ઓળખી શકાતા નથી. ”
આ રીપોર્ટમાં 2021 યુકે સેન્સસના ડેટા અને અન્ય આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તેને રેડફિલ્ડ અને વિલ્ટન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે સાથે જોડવામાં આવ્યું હતું. આ સર્વેમાં તમામ વંશીયતાના 2,000 લોકોના રાષ્ટ્રીય પ્રતિનિધિ સેમ્પલ ઉપરાંત 1400 વંશીય લઘુમતી ઉત્તરદાતાઓના “બૂસ્ટર” નમૂનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં બ્લેક આફ્રિકન, બ્લેક કેરેબિયન, ઇન્ડિયન, પાકિસ્તાની, બાંગ્લાદેશી, ચાઇનીઝ અને મિશ્ર જાતિના વંશીય ગ્રુપોમાંથી દરેકના 200 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વિશ્લેષણના મુખ્ય તારણોમાં લગભગ ચારમાંથી ત્રણ લોકો-સર્વેમાં સામેલ 72 ટકા લોકો માને છે કે, બાળકોને બ્રિટિશ ઈતિહાસ પર ગર્વ કરતા શિખવવું જોઈએ, મોટાભાગના લોકો એવું પણ માને છે કે, બ્રિટન ઐતિહાસિક રીતે વિશ્વમાં સારી બાબતો માટે એક શક્તિ સમાન રહ્યું છે. “સરકારી એજન્સીઓએ મોટા ગ્રુપોને અલગ કરવા માટે પણ કટિબદ્ધ થવું જોઈએ, જે વંશીય અને ધાર્મિક રીતે વૈવિધ્યતા ધરાવે છે. આ ઉપરાંત માઇગ્રેશનની દૃષ્ટિએ – ખાસ તો ભારતીય અને અશ્વેત આફ્રિકન વંશીય કેટેગરીઝ સમાનતાથી દૂર છે,” તેવી તેમાં ભલામણ કરવામાં આવી છે.
આ બૌદ્ધિક રીપોર્ટ એવું પણ દર્શાવે છે કે, 2014માં પોલિસી એક્સચેન્જ દ્વારા પ્રથમ ‘પોટ્રેઇટ ઓફ મોડર્ન બ્રિટન’ બે યુવા સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એક ઋષિ સુનકનો સમાવેશ થાય છે, જેઓ ભારતીય મૂળના યુકેના પ્રથમ વડા પ્રધાન બન્યા હતા અને અત્યારે સંસદમાં વચગાળાના વિરોધ પક્ષના નેતા છે. આ નવા પ્રોજેક્ટનો હેતુ એ બાબત જાણવાનો છે કે, જુદી જુદી સરકારો એક સંકલિત બ્રિટિશ ઓળખ અને સંસ્કૃતિની ગુપ્ત શક્તિઓનું નિર્માણ કરવા માટે દેશની વિવિધ વંશીયતાનું એકત્રીકરણ કરવાથી તેના પર કેવી રીતે સફળતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

LEAVE A REPLY