અનિલ કપૂરની તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રસંશા કરવામાં આવી હતી. થોડા દિવસો અગાઉ જ અનિલ કપૂરે પાન-મસાલાની એક જાહેરાત માટે રૂપિયા 10 કરોડની ઓફર ફગાવી હતી. અનિલ પોતાની વિશ્વસનીયતા તેમજ સામાજિક જવાબદારી માટે જાણીતો છે. એણે એ સ્પષ્ટ કરી દીધું છે કે એક જાહેર જીવનની વ્યક્તિ અને એક કલાકાર તરીકે એ પોતાના મૂલ્યો સાથે વિરોધાભાસ ઊભો કરે તેવી કોઈ પણ વસ્તુને પ્રોત્સાહન આપશે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ, “પાન-મસાલા બનાવતી એક જાણીતી કંપની દ્વારા આકર્ષક ઓફર સાથે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ ઓફરને ફગાવી દીધી હતી. તે પોતાના ચાહકો બાબતે ખૂબ જ જવાબદાર છે અને જાહેર આરોગ્યને નુકસાન થાય એવી કોઈ જ વસ્તુને તે પ્રોત્સાહન આપતા નથી, પછી તેના માટે ભલે ગમે તેવું વળતર આપવામાં આવે.” આ પ્રકારના ઉત્પાદનોની જાહેરાત માટે અજય દેવગન હવે મીમ માટેનો લોકપ્રિય ચહેરો બની ગયો છે.

થોડાં વખત પહેલાં જ “બોલો ઝૂબાં કેસરી” ટૅગલાઇન સાથેની આ જાહેરાતમાં અજય દેવગન, અક્ષય કુમાર અને શાહરૂખ ખાન એમ ત્રણ સુપર સ્ટારને એક સાથે લઇને ઘણી ચર્ચા જગાવી હતી. પરંતુ તેના કારણે અક્ષય કુમારના ચાહકો તેનાથી નારાજ થઈ ગયા હતા અને તેથી અક્ષયે ફરી ક્યારેય આ પ્રકારના ઉત્પાદનો માટે કામ ન કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત કાર્તિક આર્યન, અલ્લુ અર્જુન, યશ અને સ્મૃતિ ઇરાની જેવા સેલેબ્રિટિઝ પણ આ પ્રકારના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો ઇનકાર કરી ચૂક્યા છે. જોન અબ્રાહમ, એમી વિર્ક જેવા કલાકારો પણ જાહેરમાં કહી ચૂક્યા છે કે તેઓ આ પ્રકારની જાહેરાત કરશે નહીં. અનિલ કપૂરના આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર લોકોએ તેમના વખાણ કરતાં કહ્યું હતું કે શાહરૂખ, અજય અને ટાઇગર શ્રોફે અનિલ કપૂરમાંથી પ્રેરણા લેવી જોઈએ.

LEAVE A REPLY