એક સંશોધનમાં જણાયું છે કે, શરીરમાં ખનીજ સંપૂર્ણ રીતે શોષી શકાય તે માટે મહિલાઓએ સવારે નારંગીના એક ગ્લાસ જ્યૂસ સાથે આયર્ન સપ્લીમેન્ટસનું સેવન કરવું જોઇએ.
જ્યારે વિવિધ ફળોના જ્યૂસમાં રહેલું વિટામિન સી આયર્નની ગોળીઓના ફાયદામાં નોંધપાત્ર વધારો કરે છે. બીજી તરફ કોફી અથવા ચા સાથે વિટામિનના સેવનથી તે શોષાતું નથી. દર દસમાંથી એક મહિલામાં આયર્નની ઉણપના કારણે એનિમિયા હોય છે અને તે ઘણીવાર લોહીની અછત અથવા ગર્ભાવસ્થાને કારણે થાય છે. એટલે કે, આ સ્થિતિ માતા બનવાને લાયક ઉંમર ધરાવતી પાંચમાંથી એક મહિલાને અસર કરે છે. તેનાથી થાકનો અનુભવ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને હૃદયના ધબકારા વધવા સહિતના લક્ષણો જોવા મળે છે અને તેની મુખ્ય સારવાર આયર્નની ગોળીથી થાય છે, તેને સામાન્ય રીતે છ મહિના સુધી લેવી પડે છે.

અમેરિકન જર્નલ ઓફ હેમેટોલોજીમાં પ્રસિદ્ધ થયેલા આ સંશોધનના તારણોમાં આયર્નની ઉણપ ધરાવતી 34 મહિલાઓના નમૂનામાં 100 મિલિગ્રામ આયર્ન સપ્લીમેન્ટ્સ વિવિધ પીણાંમાં તેને કેવી રીતે અસર કરી શકે છે તે જણાવવામાં આવ્યું હતું. જુદા જુદા બ્લડ ટેસ્ટ્સ દર્શાવે છે કે, જ્યારે કોફીના એક કપની તુલનામાં નારંગીના જ્યૂસ સાથે આયર્નની ગોળીઓ લેવામાં આવે ત્યારે લોહીમાં લગભગ ચાર ગણું આયર્ન શોષાય છે. સ્વિત્ઝર્લેન્ડના ઝ્યુરિચસ્થિત યુનિવર્સિટીઓની સંશોધન ટીમે જણાવ્યું હતું કે, કોફી આયર્નના શોષણ પર “અવરોધક” અસર ધરાવે છે, જે પાણીની તુલનામાં 54 ટકા શોષણ ઓછું કરે છે. આ સંશોધકોએ જણાવ્યું હતું કે, આવું એટલા માટે હોય છે, કારણ કે કોફીમાં જોવા મળતું ક્લોરોજેનિક એસિડ, આંતરડામાં તે શોષાય નહીં તે માટે આયર્ન સાથે જોડાય છે.
આ સંશોધનના તારણોમાં જણાયું હતું કે, “આયર્નનું વધુમાં વધુ શોષણ કરવા માટે, સવારે ભોજન અથવા કોફીના સેવનને ટાળવું જોઇએ, અને એસ્કોર્બિક એસિડ (વિટામિન સી)યુક્ત ભોજન અથવા પીણા સાથે મોઢા દ્વારા આયર્નનું સેવન કરવું જોઈએ.
નારંગીના જ્યૂસમાં વિટામિન સીનું ઉચ્ચ પ્રમાણ આયર્નના શોષણને વધારવામાં મદદ કરે છે. કારણ કે તે પેટમાં એસિડિક માહોલ ઊભો કરે છે, જે સપ્લીમેન્ટ્સમાં રહેલા આયર્નને શોષવામાં મદદ કરે છે.

ડાયેટિશિયન ડો. કેરી રક્શટને જણાવ્યું હતું કે, “એક તૃતિયાંશ કરતાં વધુ મહિલાઓ અને યુવતીઓને તેમના આહારમાં પૂરતું આયર્ન મળતું નથી, જ્યારે દસેક ટકા મહિલાઓમાં સારવારની જરૂરીયાત મુજબ આયર્નની ઉણપ હોય છે. તેના કારણે થાક, કાર્ય કરતી વખતે શ્વાસ લેવામાં તકલીફ અને મગજમાં ધૂંધળાપણું જેવા લક્ષણો જોવા મળી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આયર્ન સપ્લીમેન્ટ્સનું સેવન કરવું એ એક ઉપયોગી પગલું છે, પરંતુ- આ નવા સંશોધન દર્શાવે છે તેમ, એક કપ કોફી સાથે તેનું સેવન કરવાનું ટાળવું એ સારી બાબત છે, કારણ કે તે આયર્નના શોષણને અટકાવે છે. તેના બદલે, એક ગ્લાસ નારંગીનું જ્યૂસ એ વધુ સારો વિકલ્પ છે. કારણ કે તે આયર્નના શોષણને ચાર ગણા સુધી વધારી શકે છે, જે નારંગીના જ્યૂસમાંથી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ વિટામિન સીના કારણે હોય છે. રસપ્રદ બાબત એ છે કે, અન્ય સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વિટામિન સીની ગોળીઓ એવી જ રીતે કાર્ય કરતી નથી. કદાચ કારણ એ હોય શકે કે ફળોના જ્યૂસમાં અન્ય લાભકારક પોષક તત્ત્વો અને છોડના બાયોએક્ટિવ પદાર્થો પણ હોય છે.”

LEAVE A REPLY