અમેરિકાના પ્રમુખ જો બાઇડને સોમવાર, 29 ઓક્ટોબરે વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી કોંગ્રેસમેન, અધિકારીઓ અને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ સહિત 600થી વધુ પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકનોએ હાજરી આપી હતી.
બાઇડને વ્હાઇટ હાઉસના ખીચોખીચ ભરાયેલા ઈસ્ટ રૂમમાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ તરીકે મને વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીના સૌથી મોટા દિવાળી ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવાનું સન્માન મળ્યું છે. મારા માટે ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. એક સેનેટર, વાઇસ પ્રેસિડન્ટ અને પ્રમુખ તરીકે દક્ષિણ એશિયન અમેરિકનો મારા સ્ટાફના મુખ્ય સભ્યો રહ્યાં છે. કમલાથી લઈને ડૉ. મૂર્તિ સહિતના આજે ઘણા લોકો મારા સ્ટાફમાં છે.
વ્હાઇટ હાઉસના બ્લૂ રૂમમાં દીપ પ્રગટાવીને બાઇડને જણાવ્યું હતું કે દક્ષિણ એશિયન અમેરિકન સમુદાયે અમેરિકન જીવનના દરેક ક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યો છે. તે સત્ય છે. તમે અત્યારે દેશમાં સૌથી ઝડપથી વિકસતા, સૌથી વધુ વ્યસ્ત સમુદાયોમાં સ્થાન ધરાવો છો. અમેરિકામાં હવે દિવાળી અહીં વ્હાઇટ હાઉસમાં ખુલ્લેઆમ અને ગર્વથી ઉજવવામાં આવે છે. આપણે એ પણ જાણીએ છીએ કે આજે આપણે એક નિર્ણાયક પરિવર્તન લાવ્યાં છે.
ચૂંટણીપ્રચારને કારણે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ફર્સ્ટ લેડી ડૉ. જીલ બિડેન આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા. આ કાર્યક્રમમાં યુએસ સર્જન જનરલ વિવેક એચ. મૂર્તિ, ભારતીય-અમેરિકન યુવા કાર્યકર્તા શ્રુતિ અમુલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. નાસા અવકાયાત્રી અને નૌકાદળ નિવૃત્ત અધિકારી સુનિતા વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પરથી રેકોર્ડેડ વિડિયો સંદેશ મોકલ્યો હતો.
બાઇડને જણાવ્યું હતું કે “નવેમ્બર 2016ના અંતમાં દક્ષિણ એશિયન અમેરિકનો સહિત ઇમિગ્રન્ટ્સ પ્રત્યે ધિક્કાર અને દુશ્મનાવટથી ઘેરા વાદળ ઘેરાયા હતા. 2024મા ફરી એકવાર આવું વાતારણ છે. તે સમયે જીલ અને મેં પ્રથમ દિવાળી રિસેપ્શનનું આયોજન કર્યું હતું અને તે વાઇસ પ્રેસિડન્ટના નિવાસસ્થાન પર હતું. તે સમયે હિંદુઓ, બૌદ્ધો, જૈનો, શીખો અને વધુ લોકો માટે રજાઓની ઉજવણી માટે અમારા ઘરના દ્વાર ખોલ્યાં હતાં.