કેરળના કાસરગોડ જિલ્લામાં મંગળવારની રાત્રે એક મંદિરમાં ફટાકડા ફોડતાં સર્જાયેલી દુર્ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા હતાં. તેમાં 10ની હાલત ગંભીર હતી. ફટાકડા ફોડવાથી ગંભીર આગ ફેલાઈ હતી અને તેનાથી બિહામણા દ્રશ્યો સર્જાયા હતાં.ફટાકડાના વિસ્ફોટો અને ભીષણ આગથી મંદિર પરિસરમાં એકઠા થયેલા લોકોમાં ભાગદોડ પણ મચી હતી. નીલેશ્વરમ નજીક વીરકાવુ મંદિરમાં થેયમ ધાર્મિક ઉત્સવ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે અંજુતામ્બલમ વીરારકાવુ મંદિરમાં વાર્ષિક કલિયાટ્ટમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમ માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેને એક સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતા. દરમિયાન રાત્રે 12.30 વાગ્યે અચાનક સ્ટોરેજમાં મોટો ધડાકો થયો હતો. ત્યાં એક પછી એક બધા ફટાકડા ફૂટવા લાગ્યા હતા. જેના કારણે સ્ટોરેજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતાં. આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં 150થી વધુ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતાં
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મધ્યરાત્રિની આસપાસ ફટાકડાનું પ્રદર્શન ચાલુ હતું અને ફટાકડામાંથી એક ફટાકડો નજીકના શેડમાં પડ્યો હોઈ શકે છે જ્યાં વધુ ફટાકડા સંગ્રહિત હતા.
તેમણે જણાવ્યું કે, ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતાં. જિલ્લા કલેકટરે મંગળવારે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો 80 ટકા દાઝી ગયા છે.”અકસ્માતનું કારણ શોધી કાઢવામાં આવી રહ્યું છે. સ્થળ પરથી નમૂના લેવામાં આવ્યા છે. કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ ફટાકડા સ્ટોરેજ ફેસિલિટી અને જ્યાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા તે જગ્યા નજીકમાં હતી.