ભારતમાં ‘ડિજિટલ એરેસ્ટ’ના સાયબર ગુનામાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે લોકોને સાવધ રહેવાની અપીલ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવા સાયબર ગુનાથી બચવા માટે ‘સ્ટોપ, થીન્ક અને ટેઇક એક્શન’નો મંત્ર આપ્યો હતો. આ ત્રણ પગલાંથી લોકોને ડિજિટલ સિક્યોરિટી મળશે. કાયદામાં ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વ્યવસ્થા નથી અને આ માત્રફ્રોડ, છેતરપિંડી અને જૂઠાણું છે. ગુનેગારોની ટોળકી અને આવું કરનારાઓ સમાજના દુશ્મન છે.
દર મહિના આવતા ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે તપાસ એજન્સીઓ આ મુદ્દાને ઉકેલવા માટે રાજ્યો સાથે કામ કરી રહી છે અને આ માટે નેશનલ સાયબર કો-ઓર્ડિનેશન સેન્ટરની સ્થાપના કરાઈ છે. એજંસીઓએ આવા હજારો ફ્રોડ વિડિયો કોલિંગ આઈડી બ્લોક કર્યાં છે. લાખો સિમ કાર્ડ, મોબાઈલ ફોન અને બેંક ખાતાઓ પણ બ્લોક કરાયા છે. એજન્સીઓ તેમનું કામ કરી રહી છે, પરંતુ ડિજિટલ ધરપકડના નામે કૌભાંડોથી બચાવવા માટે દરેક નાગરિકે જાગૃત બનવું પડશે. તેમણે શાળાઓ અને કોલેજોને પણ વિદ્યાર્થીઓને સાયબર કૌભાંડો સામેના અભિયાનમાં સામેલ કરવા વિનંતી કરી હતી.
સાયબર ગુનેગારોની મોડસ ઓપરેન્ડી સમજાવતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેઓ તેમની પ્રથમ ચાલ તરીકે વ્યક્તિગત માહિતી એકત્રિત કરે છે અને પછી તેમની બીજી ચાલ ભયનું વાતાવરણ બનાવાની હોય છે. સાયબર ગુનેગારો સવાલ કરે છે કે ‘તમે ગયા મહિને ગોવા ગયા હતા, નહીં? તમારી દીકરી દિલ્હીમાં ભણે છે, ખરું’? તેઓ તમારા વિશે એટલી બધી માહિતી એકત્રિત કરે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. બીજું પગલું ભયનું વાતાવરણ બનાવવાનું હોય છે. તે માટે તેઓ યુનિફોર્મ, સરકારી ઓફિસના માળખા, કાનૂની વિભાગોનો ઢોંગ કરે છે. તમને ફોન પર એટલા ડરાવી દેશે કે તમે વિચારી પણ નહીં શકો. બીજી ચાલ મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કરવાનો હોય છે.દરેક વર્ગ અને વય જૂથના લોકો ડિજિટલ ધરપકડનો ભોગ બને છે.
ભયભીત થઈને લોકોએ તેમની મહેનતથી કમાયેલા લાખો રૂપિયા ગુમાવ્યા હોવાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ તમને આવો કોલ આવે ત્યારે ગભરાશો નહીં. તમારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ તપાસ એજન્સી ફોન કોલ અથવા વીડિયો કોલ દ્વારા આ પ્રકારની પૂછપરછ કરતી નથી. હું ડિજિટલ સુરક્ષાના ત્રણ પગલાં ગણાવું છું. આ ત્રણ પગલાં છે કે ‘સ્ટોપ, થીન્ક અને ટેઇક એક્શન’ છે. તમને કોલ આવે કે તરત જ રોકાઈ જાઓ… ગભરાશો નહીં, શાંત રહો, કોઈ ઉતાવળે પગલાં ન ભરો, તમારી અંગત માહિતી કોઈને પણ ન આપો. જો શક્ય હોય તો સ્ક્રીનશોટ લો અને તેને રેકોર્ડ કરો. કોઈ પણ સરકારી એજન્સી તમને ફોન પર આ રીતે ધમકી આપતી નથી, આ રીતે વીડિયો કૉલ પર ન તો પૂછપરછ કરે છે કે ન તો પૈસાની માંગણી કરે છે.