મશહૂર કલાકારો એફ એન સૂઝા અને અકબર પદમસીની કલાકૃતિઓ મુક્ત કરવાનો કસ્ટમ વિભાગને આદેશ આપતાં બોમ્બે હાઇકોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે દરેક નગ્ન પેઇન્ટિંગને અશ્લીલ ગણાવી શકાય નહીં. ભારતના કસ્ટમ વિભાગે અશ્લીલ સામગ્રી હોવાના આધારે ગયા વર્ષે આ બંને કલાકારોની કલાકૃતિઓ જપ્ત કરી હતી.
કલાકૃતિ જપ્ત કરવાના જુલાઈ 2024ના મુંબઈ કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનરના આદેશને રદ કરતા હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ આદેશ વિકૃત અને ગેરવાજબી છે. આસિસ્ટન્ટ કમિશનર કસ્ટમ્સ એ બાબત જાણતા નથી કે સેક્સ અને અશ્લીલતા હંમેશા સમાનાર્થી નથી.અશ્લીલ સામગ્રી એ છે કે જે સેક્સ સાથે સંબંધિત કામુક રૂચી પેદા કરે છે. અમારા મતે આવો આદેશ ટકી શકે તેવો નથી અને રદ કરવો જોઇએ.
હાઇકોર્ટે કસ્ટમ્સના આદેશ સામે મુંબઈના ઉદ્યોગપતિ અને કલાના જાણકાર મુસ્તફા કરાચીવાલાની માલિકીની કંપની બી કે પોલિમેક્સ ઇન્ડિયાએ દાખલ કરેલી અરજીને મંજૂરી આપી હતી. 2022 માં મુંબઈના ઉદ્યોગપતિ મુસ્તફા કરાચીવાલાએ સ્કોટલેન્ડમાં હરાજીમાં આર્ટવર્ક હસ્તગત કર્યા હતાં લંડનના રોઝબેરીસમાં એક અલગ હરાજીમાં તેમણે નગ્ન અવસ્થામાં એક મહિલાની પદમસીની ત્રણ કલાકૃતિઓ ખરીદી હતી. જોકે મુંબઈ લાવ્યા ત્યારે કસ્ટમ વિભાગે અશ્લીલતા દર્શાવીને કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું હતું.
ખંડપીઠે જણાવ્યું હતું કે આસિસ્ટન્ટ કમિશનરે માત્ર એ હકીકત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે કલાકૃતિઓ નગ્ન છે અને કેટલાક કિસ્સાઓમાં જાતીય સંભોગનું ચિત્રણ કરવામાં આવ્યું હતું અને તેથી તે અશ્લીલ છે. દરેક નગ્ન પેઇન્ટિંગ અથવા અમુક જાતીય સંભોગના પોઝ દર્શાવતી દરેક પેઇન્ટિંગને અશ્લીલ કહી શકાય નહીં.