ઇરાનને પહેલી ઓક્ટોબરે આશરે 180 મિસાઇલથી કરેલા હુમલાનો ઇઝરાયેલે શનિવાર, 26 ઓક્ટોબરે વહેલી સવારે વળતો જવાબ આપીને ઇરાનના લશ્કરી મથકો પર શ્રેણીબદ્ધ હવાઈહુમલા કર્યાં હતાં.F-35 સ્ટીલ્થ ફાઇટર સહિત 100થી વધુ ઇઝરાયેલ ફાઇટર જેટ, સવારના થોડા સમય પહેલા જ મિશન માટે ઉપડ્યા હતાં. તેઓએ 1,000 કિલોમીટર સુધી ઉડાન ભરી હતી અને ઈરાનની રડાર અને હવાઈ સંરક્ષણ પ્રણાલી પર ત્રાટક્યા હતા. ઇરાનના મિસાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સહિત અન્ય સૈન્ય સ્થળો પર હુમલા કર્યા હતાં. બીજી તરફ અમેરિકાએ પણ વળતો હુમલો ન કરવા માટે ઇરાનને વોર્નિંગ આપી હતી.
ઇઝરાયેલના આ હુમલામાં ઇરાની મિલિટરી એર ડિફેન્સના ચાર સૈનિકોના મોત થયા હતાં. ઇઝરાયેલની સૈન્યે ઈરાન પર ખુલ્લેઆમ હુમલો કર્યો હોય તેવો આ પ્રથમ બનાવ હતો.
ઇઝરાયેલી મિલિટરીએ જણાવ્યું હતું કે તેના યુદ્ધવિમાનોએ એવા મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કર્યા હતાં, કે જ્યાં મિસાઇલો બનાવવામાં આવે છે. ઇઝરાયેલે ઇરાનના ક્રૂડ ઓઇલના ભંડાર કે અણુમથકો પર હુમલા કર્યા હોવાના કોઇ સંકેત મળ્યાં ન હતાં. આ હુમલામાં ઇરાનને કેટલું નુકસાન થયું તેની પણ ઇઝરાયેલે વિગતો આપી ન હતી. ઇરાને માત્ર મર્યાદિત નુકસાન થયું હોવાનો દાવો કર્યો હતો.ઈરાની સૈન્યએ જણાવ્યું કે, આ હુમલામાં ઈલમ, ખુઝેસ્તાન અને તેહરાન પ્રાંતમાં સૈન્ય થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતાં. હુમલા દરમિયાન ઇરાને તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી. ઈરાનના સરકારી મીડિયાએ તહેરાનમાં ધડાકાના રીપોર્ટ આપ્યાં હતાં અને કહ્યું હતું કે કેટલાક વિસ્ફોટો શહેરની આસપાસની એર ડિફેન્સ સિસ્ટમ પર થયાં હતાં.
હવાઈ હુમલા પછી ઈરાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે તેને આત્મરક્ષાનો અધિકાર છે,ઇઝરાયેલના લશ્કરી પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઇરાને બે વાર ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો અને તેને તેની કિંમત ચૂકવી છે. અમે ગાઝા પટ્ટી અને લેબનોનમાં અમારા યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઇરાન આ યુદ્ધને વધુ વિસ્તૃત બનાવવાની ફરજ પાડી રહ્યું છે. શનિવારનો હુમલો ઇરાન અને તેના આતંકી સંગઠનો દ્વારા થયેલા હુમલાનો જવાબ આપવાની ફરજના ભાગરૂપે કરાયો હતો. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે તેનું મિશન પૂર્ણ કર્યું હતું. પરંતુ જો ઈરાનમાં શાસકો હુમલાનો નવો રાઉન્ડ શરૂ કરવાની ભૂલ કરશે, તો અમે જવાબ આપવા માટે બંધાયેલા રહીશું.
ઇરાન પર ઇઝરાયેલના હુમલાની વૈશ્વિક સ્તરે મિશ્ર પ્રતિક્રિયા આવી હતી. બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ઇરાનને જવાબ ન આપવો જોઇએ. પ્રાદેશિક યુદ્ધ વધુ ન વકરે તે જરૂરી છે અને અમે તમામ પક્ષોને સંયમની અપીલ કરીએ છીએ. જોકે સાઉદી અરેબિયા સહિતના મુસ્લિમ દેશોએ આ હુમલાની નિદા કરી હતી અને તેને ઈરાનના સાર્વભૌમત્વ તથા આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ધોરણોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.