ખાલિસ્તાની ત્રાસવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યાના મામલે ભારત વિરુદ્ધ આક્ષેપો કરનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સામે તેમના જ પક્ષના સાંસદોએ બળવો કર્યો છે. લિબરલ પાર્ટીના સાંસદોએ ટ્રુડોને વડાપ્રધાન પદ છોડવા માટે 28 ઓક્ટોબર સુધીનો સમય આપવાની સાથે જ ચેતવણી પણ આપી છે કે જો તેઓ ચાર દિવસમાં રાજીનામું નહીં આપે તો તેમની વિરુદ્ધ બળવો કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રુડોના પક્ષના 24 સાંસદોએ કેનેડામાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણી પૂર્વે તેમના રાજીનામાની માગ કરી છે. એટલું જ નહીં આ સાંસદોએ આ માટે એક સહી ઝુંબેશ પણ ચલાવી છે. જેમાં તેમણે દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં હારના જોખમને ધ્યાનમાં લેતાં ટ્રુડો વહેલાં રાજીનામું આપે તેવી માગ કરી છે. ટ્રુડોએ તાજેતરમાં લિબરલ પાર્ટીના સાંસદો સાથે બંધ બારણે બેઠક કરી હતી. જેમાં તેમના પક્ષના સાંસદોએ ટ્રુડો સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ બેઠકમાં લિબરલ પાર્ટીના બ્રિટિશ કોલંબિયાના સાંસદ પેટ્રિક વ્હીલરે આગામી વર્ષે યોજાનારી ચૂંટણી જીતવા ટ્રુડો રાજીનામું આપે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. અત્યારે હાઉસ ઓફ કોમન્સમાં લિબરલ પક્ષના સાંસદોની સંખ્યા 153 છે. જ્યારે બહુમતિ માટે જરૂરી આંક 170 છે. આ મહિનાની શરૂઆતમાં જ લિબરલ પાર્ટીને ટેકો આપતી ખાલિસ્તાની સમર્થક શીખ સાંસદ જગમીત સિંઘની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)એ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લેતાં ટ્રુડો સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ હતી. જોકે 1 ઓક્ટોબરના રોજ યોજાયેલાં વિશ્વાસના મતમાં અન્ય એક પાર્ટીએ ટેકો આપતાં ટ્રુડોની સરકાર તો બચી ગઈ હતી, પરંતુ ખુદ ટ્રુડો સામે પક્ષમાં વિરોધ વધ્યો હતો.

LEAVE A REPLY