**EDS: IMAGE VIA @Indiametdept** New Delhi: Photo)(PTI

ભારતના ઓડિશા રાજ્યના દરિયાણાકાંઠે શુક્રવાર, 25 ઓક્ટોબરની વહેલી સવારે શક્તિશાળી વાવાઝોડું દાના ત્રાટકવાની શક્યતા છે. શુક્રવારે વહેલી સવારે ઓડિશામાં ભીતરકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ વચ્ચે પ્રતિ કલાક 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

દાના નામનું ‘શક્તિશાળી વાવાઝોડું’ ગુરુવારની મધ્યરાત્રી અને શુક્રવારની સવારની વચ્ચે 100-110 કિમી પ્રતિ કલાક (62-68 માઇલ પ્રતિ કલાક)ની ઝડપે પવનની ઝડપ સાથે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી ધારણા છે. 200થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે અને બંને રાજ્યોની રાજધાની શહેરો કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ પરની ફ્લાઇટ્સ ગુરુવાર સાંજથી શુક્રવાર સવાર સુધી સ્થગિત કરાઈ હતી. ઓડિશાના પારાદીપ બંદરે કામગીરી સ્થગિત કરી દીધી છે. કેટલાક વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે

રાજ્ય સરકારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં સ્થળાંતરના પ્રયાસોને પણ ઝડપી બનાવ્યા હતાં. મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ સમીક્ષા બેઠક યોજી હતી અને અધિકારીઓને કુદરતી આફતને કારણે “શૂન્ય જાનહાનિ” સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

બંગાળની ખાડી પરની હવામાન પ્રણાલી છેલ્લા છ કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી હતી અને પારાદીપ (ઓડિશા)થી 210 કિમી દક્ષિણપૂર્વમાં, ધામરા (ઓડિશા)થી 240 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 310 કિમીના અંતરે કેન્દ્રિય હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, બાલાસોર, ભદ્રક, ભીતરકાનિયા અને પુરીના કેટલાક વિસ્તારોમાંથી વૃક્ષો ઉખડી જવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.માઝીએ કહ્યું કે લગભગ ત્રણ લાખ લોકોને વિવિધ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે અને ઓપરેશન ચાલુ છે.અત્યાર સુધીમાં કુલ 7,285 સાઇક્લોન સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે અને 91 મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે.અધિકારીઓએ NDRFની 19 ટીમો, ODRAFની 51 ટીમો અને ફાયર સર્વિસના કર્મચારીઓને લોકોને સ્થળાંતર કરવા અને અવરોધિત રસ્તાઓ સાફ કરવા માટે પણ તેનાત કર્યાં હતા.

છેલ્લાં ચાર કલાકમાં પારાદીપમાં સૌથી વધુ 62 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે કેન્દ્રપાડા જિલ્લાના રાજનગરમાં છેલ્લા ચાર કલાકમાં 24 મીમી વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગેએ ગુરુવારે સાત જિલ્લાઓ – મયુરભંજ, કટક, જાજપુર, બાલાસોર, ભદ્રક, કેન્દ્રપાડા અને જગતસિંહપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ‘રેડ વોર્નિંગ’ જારી કરી હતી.

LEAVE A REPLY