પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં બાળલગ્નોને ગંભીર સામાજિક દૂષણ ગણાવીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર, રાજ્યો અને અન્ય સત્તાવાળાઓને આ દૂષણની નાબૂદી કરવા માટે સંખ્યાબંધ આદેશો જારી કર્યા હતાં. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દરેક જિલ્લામાં બાળલગ્ન પ્રતિબંધ અધિકારીઓ (CMPO)ની નિયુક્તિ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત દરેક જિલ્લામાં કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પણ તેમના જિલ્લાઓમાં બાળ લગ્નોને રોકવા માટે સક્રિયપણે પગલાં લેવાની તાકીદ કરી હતી.

કોર્ટે કુલ નવ શીર્ષક હેઠળ હિતધારકોને સંખ્યાબંધ દિશાનિર્દેશ જારી કર્યાં હતાં. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે બાળલગ્ન એક સામાજિક દૂષણ છે, અને તેનું આચરણ એક ફોજદારી ગુનો છે. બાળ લગ્નના દુષ્કૃત્યો પર લગભગ સાર્વત્રિક કરાર હોવા છતાં બાળલગ્નો થઈ રહ્યા છે અને તેનો વ્યાપ ગંભીર છે.

કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જિલ્લા સ્તરે CMPOના કાર્યોને નિભાવવા માટે સંપૂર્ણપણે જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવી જોઈએ. આ અધિકારીઓ પર વધારાની ફરજોનો બોજ ન હોવો જોઈએ, જે બાળ લગ્ન અટકાવવા પર તેમના ધ્યાનને અવરોધી શકે. 2006ના બાળલગ્ન પ્રતિબંધ ધારાની જોગવાઈના અસરકાર અમલ માટે બાળલગ્ન અને તેના કાયદાકીય પરિણામો વિશે વ્યાપક જાગૃતિ અને શિક્ષણ હોવું આવશ્યક છે.
કોર્ટે બાળ લગ્નો અટકાવવા માટે જિલ્લા-સ્તરની જવાબદારી નિર્ધારિત કરી છે અને જણાવ્યું છે કે CMPOના આદેશ ઉપરાંત દેશભરના દરેક જિલ્લામાં કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ તેમના જિલ્લાઓમાં બાળ લગ્નોને સક્રિયપણે રોકવા માટે જવાબદાર રહેશે.

બાળલગ્નોને રોકવા માટે વિશેષ પોલીસ યુનિટની સ્થાપના કરવાનો આદેશ આપતા કોર્ટે જણાવ્યું હતું કે વિશેષ પોલીસ યુનિટ જરૂરી છે. રાજ્યના ગૃહ મંત્રાલયો બાળ લગ્ન નિવારણ માળખામાં સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટનો ઉપયોગ કરવાની વિચારણા કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે “ન્યાયિક પગલાં” શીર્ષક હેઠળ મેજિસ્ટ્રેટને સુઓ મોટો એક્શન લેવાની અને આદેશ આપવાની સત્તા આપી છે.

LEAVE A REPLY