ગુજરાતમાં જંગી પ્રમાણમાં ડ્રગ્સ જપ્તીનો સિલસિલો ચાલુ રહ્યો છે. ભરુચ અને સુરત જિલ્લામાં પોલીસે એક ઓપરેશન હાથ ધરીને રૂ 2.14 કરોડની કિંમતનું 2 કિલોગ્રામથી વધુ મેફેડ્રોન (એમડી) અને અન્ય 427 કિલોગ્રામ શંકાસ્પદ ડ્રગ એક ફેક્ટરીમાંથી જપ્ત કર્યું હતું અને ચાર વ્યક્તિને ધરપકડ કરી હતી.
સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, રવિવારે સાંજે સુરતના વેલંજા ગામ નજીક એક ફોર-વ્હીલરમાંથી 2 કિલોગ્રામથી વધુ MD જપ્ત કરાયું હતું અને ત્રણ લોકોની ધરપકડ કરાઈ હતી.
બીજી ટીમે રવિવારે રાત્રે અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્થિત અવસર એન્ટરપ્રાઈઝ નામના એકમમાં ઓપરેશન હાથ ધર્યું હતું અને શંકાસ્પદ ડ્રગનું 427 કિલોગ્રામ કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું હતું અને એકની ધરપકડ કરી હતી. આ જથ્થો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યો હતો.
સુરત અને ભરૂચ પોલીસના બે ઓપરેશનમાં ચાર લોકોની ધરપકડ કરાઈ હતી અને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પોલીસને જણાવ્યા અનુસાર સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વિશાલ પટેલ અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી અવસર એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાં એમડી ડ્રગનું ઉત્પાદન કરે છે. તેની સાથે જોડાયેલા ત્રણ વ્યક્તિઓ ફેક્ટરીમાં ઉત્પાદિત ડ્રગ્સના જથ્થા સાથે સાંજે 6 વાગ્યાની આસપાસ એક વાહનમાં વેલંજા ખાતેની એક હોટલ પાસેથી પસાર થવાના છે. આ બાતમીને આધારે પોલીસે મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલને રવિવારે સાંજે વેલંજામાંથી 2.031 કિલો એમડી ડ્રગ સાથે ઝડપી લીધા હતા.