પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની સુપ્રીમ કોર્ટમાં બુધવારે ન્યાયની દેવીની નવી પ્રતિમા મૂકવામાં આવી હતી, જેમાં ન્યાયની દેવીની આંખો પરની પટ્ટી હટાવી દેવામાં આવી છે તથા હાથમાં તલવારને જગ્યાએ બંધારણ મૂકવામાં આવ્યું છે. આની સાથે સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો આંધળો નથી અને તે તલવારની જેમ હંમેશા સજાનો પ્રતિક નથી. ન્યાયની દેવીના જમણા હાથમાં ન્યાયના ત્રાજવા જાળવી રાખવામાં આવ્યા છે, કારણ કે તે સમાજમાં સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના આદેશથી સુપ્રીમ કોર્ટમાં જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની નવી પ્રતિમા મૂકવામાં આવી હતી. આ પ્રતિમાની આંખો ખુલ્લી છે અને ડાબા હાથમાં તલવારની જગ્યાએ બંધારણ મૂકવામાં આવ્યું છે. આ નવા ફેરફારને બ્રિટિશ રાજ વખતની ગુલાબીના પ્રતિકને દૂર કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવે છે. તાજેતરમાં બ્રિટિશ યુગના ફોજદારી કાયદાઓને બદલીને ભારતીય ન્યાય સંહિતાનો અમલ કરાયો છે.

ચીફ જસ્ટિસન કાર્યાલય સાથે સંકળાયેલા ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ ચંદ્રચુડનું માનવું છે કે ભારતે બ્રિટિશ વારસામાંથી આગળ વધવું જોઈએ અને કાયદો ક્યારેય આંધળો હોતો નથી, તે દરેકને સમાન નજરે જુએ છે. તેથી મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે ન્યાયની દેવીનું સ્વરૂપ બદલવું જોઈએ. તેમણે કહ્યું હતું કે પ્રતિમાના એક હાથમાં બંધારણ હોવું જોઈએ અને તલવાર નહીં, જેથી દેશને સંદેશ જાય કે તે ન્યાય આપે છે. તલવાર હિંસાનું પ્રતીક છે, પરંતુ અદાલતો બંધારણીય કાયદા અનુસાર ન્યાય આપે છે.

આંખે પાટાનો અર્થ કાયદા સમક્ષ સમાનતાનું પ્રતિનિધિત્વ કરવાનો હતો, જેનો અર્થ એવો થતો હતો કે અદાલતો તેની સમક્ષ હાજર થતાં લોકોની સંપત્તિ, શક્તિ અથવા અન્ય દરજ્જાને જોઇ શકતી નથી. હાથમાં રહેલી તલવાર અન્યાયને સજા કરવાની સત્તા અને શક્તિનું પ્રતીક હતી.

LEAVE A REPLY