ફાઇલ ફોટો (ANI Photo/ Shrikant Singh)

ઓડિશાના મુખ્યપ્રધાન મોહન ચરણ માઝીની મંજૂરી બાદ આવતા વર્ષે 8થી 10 જાન્યુઆરી દરમિયાન ભુવનેશ્વર ખાતે 18મો પ્રવાસી ભારતીય દિવસ યોજાશે.આ કાર્યક્રમનું આયોજન ઓડિશા સરકાર અને વિદેશ મંત્રાલય (MEA) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે, એમ રવિવારે એક અખબારી નિવેદનમાં જણાવાયું હતું.

વિદેશ મંત્રાલયનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ રાજ્યના અધિકારીઓ સાથે સંકલન કરવા માટે પહેલાથી જ સ્થળની મુલાકાત લઈ ચૂક્યું છે અને ઇવેન્ટના સરળ અમલીકરણ માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેટલાક કેન્દ્રીય પ્રધાનો અને માઝી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પ્રવાસી ભારતીય તીર્થ એક્સપ્રેસનું લોકાર્પણ કરાશે.

સરકારે જણાવ્યું હતું કે ત્રણ દિવસીય સંમેલનમાં વિવિધ દેશોમાંથી 5,000થી વધુ ડાયસ્પોરા સભ્યો જોડાય તેવી શક્યતા છે. વિદેશી ભારતીયો, NRIs અને અન્ય મહાનુભાવોને ઓડિશાના વિવિધ સ્થળોના પ્રવાસ પર લઈ જવામાં આવશે, જેમાં રાજ્યનો સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક મહત્વ અને ઔદ્યોગિક ક્ષમતા દર્શાવવામાં આવશે.

1915માં દક્ષિણ આફ્રિકાથી મહાત્મા ગાંધીના મુંબઈ આગમનની સ્મૃતિમાં 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. જોકે આ કાર્યક્રમ 2003માં શરૂ થયો હતો, પરંતુ દેશના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને માન આપવા માટે 2015થી દ્વિવાર્ષિક રીતે તેનું આયોજન કરવામાં આવે છે. છેલ્લો પ્રવાસી ભારતીય દિવસ મધ્યપ્રદેશના ઈન્દોરમાં યોજાયો હતો.

LEAVE A REPLY