ભારતીય એરલાઇન્સ સંચાલિત ફ્લાઇટને બોંબથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો રવિવારે પણ ચાલુ રહ્યો હતો અને એક દિવસમાં 25થી વધુ ફ્લાઇટ્સને આવી ધમકી મળી હતી. તેનાથી સેંકડો મુસાફરોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સુરક્ષા સત્તાવાળાઓએ વિગતવાર તપાસ માટે ઘણા વિમાનોને આઇસોલેશન બેઝમાં લઈ જવા પડ્યાં હતાં. અગાઉના દિવસે વિવિધ એરલાઇન્સની ઓછામાં ઓછી 30 ફ્લાઇટને બોંબની ધમકી મળી હતી. આ સપ્તાહે કુલ 100 ફ્લાઇટને આવી ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.
દરમિયાન સંખ્યાબંધ ફ્લાઇટમાં બોંબની ખોટી ધમકીઓને પગલે ચિંતિત બનેલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય ખોટી ધમકીઓ આપનારા વ્યક્તિઓને પાંચ વર્ષ માટે નો ફ્લાય લિસ્ટમાં મૂકવાની તથા એરફ્રાક્ટ એક્ટ, 1934ની જગ્યાએ ભારતીય વાયુયાન વિધેયક, 2024નો અમલ કરવાની વિચારણા કરી રહ્યું છે.એવિએશન સેફ્ટી સંસ્થા બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)ના અધિકારીઓ શનિવારે નવી દિલ્હીમાં એરલાઈન્સના CEO સાથે બેઠક યોજી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે રવિવારે ઈન્ડિગો, વિસ્તારા, એર ઈન્ડિયા અને અકાસા એર દરેકની છ-છ ફ્લાઈટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ઓછામાં ઓછી એક ફ્લાઈટને બોબથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસમાં તેમને જાણવા મળ્યું છે કે આ અઠવાડિયે જે IP (ઇન્ટરનેટ પ્રોટોકોલ) એડ્રેસ પરથી ધમકીઓ આપવામાં આવી હતી તે લંડન, જર્મની, કેનેડા અને યુએસના છે. જોકે, તેઓએ VPNs (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સ)ના ઉપયોગને નકારી ન હતી
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ કિશોરે કથિત રીતે X પર તે મિત્રના નામે એકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાંથી બોમ્બની ધમકીઓ પોસ્ટ કરી હતી. તે તેના મિત્રને ફસાવવા માગતો નથી, કારણ કે તેની સાથે પૈસાનો વિવાદ ચાલતો હતો. છત્તીસગઢના રાજનાંદગાંવના 17 વર્ષના કિશોર અને તેના પિતાને મુંબઈ પોલીસે મંગળવારે સમન્સ પાઠવ્યું હતું. કિશોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને રિમાન્ડ હોમમાં લઈ જવામાં આવ્યો હતો. તેના પિતાની પૂછપરછ ચાલુ હતી.
સોમવારે ચાર ફ્લાઇટમાં બોંબની ધમકી આપી હતી. આ પછીથી ઓછામાં ઓછી 19 ફ્લાઇટ્સ માટે આવી ધમકીઓ અપાઈ હતી. મુંબઈ પોલીસે ત્રણ ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ્સ (એફઆઈઆર) દાખલ કરી હતી. કિશોરને હાલમાં પ્રથમ એફઆઈઆરના સંબંધમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, જે સોમવારની ધમકીઓ વિશે છે.