ગુજરાત પોલીસે સ્મશાનમાં કેટલીક તાંત્રિક વિધિઓ કરવા અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ 29 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીએ દાવો કર્યો હતો તેની પાસે કેટલાંક તાંત્રિક વિદ્યા છે. ગુજરાતના નવા માનવબલિ અને કાળા જાદૂ નિવારણ અને નાબૂદી ધારા હેઠળની આ પ્રથમ ફરિયાદ હતી. આ નવો ધારો 2 સપ્ટેમ્બરે અમલી બન્યો હતો.
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં સ્મશાનગૃહમાં ધાર્મિક વિધિ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી પોલીસે આરોપી અશ્વિન મકવાણાની 15મી ઓક્ટોબરે ધરપકડ કરી હતી. વીડિયોમાં, આ વ્યક્તિ કુંભારવાડા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સંચાલિત સ્મશાનની અંદર ધાર્મિક વિધિ કરતો જોવા મળે છે.
થોડા સમય પછી તે ચિતાની પ્રદક્ષિણા કરે છે અને કેટલીક મંત્રોનો પાઠ કરીને સ્મશાન પર ધૂણતા-ધૂણતા સૂઈ જાય છે. પોલીસે જણાવ્યું હતું કે અમારી તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું હતું કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ અશ્વિન મકવાણા છે. તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અપલોડ કર્યો હતો, પરંતુ તે વોટ્સએપ પર વાયરલ થયા બાદ તેને ડિલિટ કર્યો હતો. સ્થાનિક અદાલતે તેને જામીન આપ્યાં હતાં.