ઇટાલીની સંસદે તાજેતરમાં દંપતીઓ માટે સરોગસી દ્વારા બાળકને જન્મ આપવા માટે વિદેશ જવા પર પ્રતિબંધ મુક્યો છે. કહેવાય છે કે, વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીનાં પક્ષનો આ પ્રિય પ્રોજેક્ટ છે, જે અંગે કાર્યકરો કહે છે કે તેનો ઉદેશ્ય સમલૈંગિક દંપતીઓને લક્ષ્યાંક બનાવવાનો છે.
મેલોનીએ 2022માં જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી અત્યંત રૂઢિચુસ્ત સામાજિક મુદ્દાઓને આગળ વધાર્યા છે. તેને તેઓ પરંપરાગત પારિવારક મૂલ્યો તરીકે ધ્યાનમાં લે છે અને તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે સમલૈંગિક દંપતીઓ માટે કાયદા મુજબ માતા-પિતા બનવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે.
સેનેટના ઉપલા ગૃહે મેલોનીની પાર્ટી- બ્રધર્સ ઓફ ઇટાલી દ્વારા પ્રસ્તાવિત બિલને 84 મતોમાંથી 58 મત દ્વારા કાયદાનું સ્વરૂપ આપ્યું હતું. ગત વર્ષે નીચલા ગૃહ દ્વારા આ બિલને અગાઉથી જ મંજૂરી આપવામાં આવી હતી. આ કાયદો 2004થી ઇટાલીમાં અગાઉથી જ લાગુ કરાયેલા સરોગસી પ્રતિબંધને એ લોકો સુધી લાગુ કરે છે જેઓ તેના માટે અમેરિકા અને કેનેડા સુધી જાય છે, જ્યાં તે કાયદેસર છે. તેમાં બે વર્ષ સુધીની જેલની સજા અને એક મિલિયન યુરો સુધીનો દંડ ફટકારવામાં આવે છે.
સંસદમાં ચર્ચા દરમિયાન બ્રધર્સ ઓફ ઇટાલીનાં સેનેટર લેવિનિયા મેન્નુનીએ જણાવ્યું હતું કે, “માતૃત્વ ખૂબ જ અનોખી બાબત છે, તેને સરોગસી સાથે જરા પણ જોડી શકાતી નથી અને તે આપણી સંસ્કૃતિનો પાયો છે. અમે સરોગસી પ્રવાસનના વિચારને જડમૂળથી ઉખેડી નાખવા ઇચ્છીએ છીએ.”
આ વર્ષની શરૂઆતમાં, મેલોનીએ સરોગસીની સારવારને એક ‘અમાનવીય’ પરંપરા કહી હતી, જેમાં બાળકોને સુપરમાર્કેટની ચીજ-વસ્તુઓ માનવામાં આવે છે, જે કેથોલિક ચર્ચ દ્વારા વ્યક્ત કરાયેલી સ્થિતિને ઉજાગર કરે છે. આ અંગે સેનેટ પાસે વિરોધ કરવા એકત્ર થયેલા દેખાવકારોએ બિલ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકાર સમલૈંગિકો પર હુમલો કરી રહી છે. ઇટાલીમાં જન્મ દરમાં તીવ્ર ઘટાડો થયો હોવા છતાં જે લોકો બાળકોને જન્મ આપવા ઇચ્છે છે તેમને નુકસાન કરી રહ્યા છે.
રેઈન્બો ફેમિલીઝ પ્રેસિડેન્ટ એલેસિયા ક્રોસિનીએ જણાવ્યું હતું કે, “જો કોઈને બાળક હોય, તો તેને મેડલ આપવો જોઈએ. જો તમે પરંપરા મુજબ બાળકને જન્મ નથી આપતા તો તમને મેડલના બદલે જેલમાં મોકલવામાં આવે છે. સરોગસી પસંદ કરનાર 90 ટકા ઈટાલિયનો વિજાતીય દંપતીઓ છે, પરંતુ તેઓ મોટાભાગે આવું ગુપ્ત રીતે કરે છે, એટલે કે નવા પ્રતિબંધની અસર ફક્ત સમલૈંગિકોને જ થશે, જેઓ તેને છુપાવી શકતા નથી.”
ઇટાલીમાં ઘટી રહેલા જન્મ દરને ધ્યાનમાં રાખીને સરોગસી પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઇન્સ્ટિટ્યૂટ- ISTAT દ્વારા માર્ચ મહિનામાં જણાવવામાં આવ્યું હતું કે, 2023માં દેશમાં જન્મ દર રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો હતો, જે સતત 15મો વાર્ષિક ઘટાડો હતો.

 

 

LEAVE A REPLY