(Photo by Andrew Harnik/Getty Images)

અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં કમલા હેરિસને મહત્ત્વના બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં સમર્થન આપવા માટે એક ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટિક ફંડરેઈઝરે ગુરુવારે બોલિવૂડ થીમ આધારિત નવો ડિજિટલ વીડિયો જારી કર્યો હતો. આ વીડિયોનું ટાઇટલ “આઈ વીલ વોટ ફોર હેરિસ-ટિમ વોલ્ઝ” છે. આ વીડિયો એ.આર. રહેમાનના એક આઇકોનિક ગીત “દિલ હૈ છોટા સા, છોટી સી આશા” તથા મૂવી એનિમલના ઇન્સ્ટ્રુમેન્ટલ વર્ઝન પર આધારિત છે.

બોલિવૂડમાંથી પ્રેરણા લઇને તૈયાર કરાયેલા આ વીડિયોનો હેતુ મિશિગન, પેન્સિલવેનિયા, વિસ્કોન્સિન, જ્યોર્જિયા, નેવાડા, એરિઝોના અને નોર્થ કેરોલિનામાં દક્ષિણ એશિયાના સમુદાયો સાથે જોડાણ કરવાનો છે.

કમલા હેરિસના પ્રમુખપદની ઝુંબેશ માટે નેશનલ ફાઇનાન્સ કમિટીના સભ્ય અજય ભુટોરિયાએ જણાવ્યું હતું કે “અમારા માટે એકજૂથ થવાની અને કમલા હેરિસ માટે અમારું સમર્થન દર્શાવવાની આ ક્ષણ છે.” તેમણે હેરિસ અને ટિમ વોલ્ઝ માટે મતદાનને વધારવાના ચાલુ પ્રયાસોના ભાગરૂપે બોલિવૂડ-પ્રેરિત વધુ વીડિયો રિલીઝ કરવાની યોજનાની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “વધુ સારા ભવિષ્ય માટે કમલા હેરિસના વિઝન અને ટ્રમ્પની વિભાજનકારી નીતિઓ વચ્ચે પસંદગી સ્પષ્ટ છે. દક્ષિણ એશિયાના હજારો સ્વયંસેવકો આ રેસ જીતવામાં મદદ કરવા માટે આયોજન કરી રહ્યા છે, દરવાજા ખટખટાવી રહ્યા છે અને કૉલ કરી રહ્યા છે.”

ભુટોરિયાએ જણાવ્યું હતું કે વીડિયોની થીમ વાઇસ પ્રેસિડેન્ટ હેરિસના આશા અને એકતાના સંદેશનો પડઘો પાડે છે. વાઈસ પ્રેસિડેન્ટ હેરિસ અમારા સમુદાય માટે આનંદ અને આશાને મૂર્તમંત બનાવે છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની વિભાજનકારી નીતિઓથી આગળ વધે તેવું ભવિષ્ય બનાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. કમલા હેરિસ 5 મિલિયનથી વધુ ભારતીય અમેરિકનોની આશાનું પ્રતિનિધિત્વ કરે છે. અમે અમારા સમુદાયને જોડવા અને તેમના અવાજને સુનિશ્ચિત કરવા માટે બોલીવુડ સંગીતનો ઉપયોગ કરી રહ્યા છીએ.

અજય અને વિનીતા ભુટોરિયા દ્વારા તૈયાર કરાયેલ અને ઓસમ ટીવીના રિતેશ પરીખ દ્વારા નિર્મિત આ વિડિયો તેલુગુ, ગુજરાતી, પંજાબી, હિન્દી, બંગાળી, તમિલ, મલયાલમ અને ઉર્દૂ સહિતની બહુવિધ ભાષાઓમાં સંદેશાઓ આપે છે. પરીખે જણાવ્યું હતું કે “બોલીવુડે હંમેશા કહાનીઓ દ્વારા લોકોને જોડ્યા છે અને કમલા હેરિસ લોકોને એકસાથે લાવીને તે ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તે આપણા બધા માટે આનંદ અને આશા લાવે છે.”

LEAVE A REPLY