ભારતની સુપ્રીમ કોર્ટે શુક્રવાર, 18 ઓક્ટોબરે સદગુરુના ઇશા ફાઉન્ડેશન સામેના એક કેસને રદ કર્યો હતો. પોતાની બે પુત્રીઓને “બ્રેઈનવોશ” કરી સદગુરુના તમિલનાડુના કોઈમ્બતુર આશ્રમમાં રાખવામાં આવી હોવાનો એક પિતાએ દાવો કરીને આ કેસ કર્યો હતો.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંઠપીઠે ચુકાદો આપ્યો હતો કે ગીતા અને લતા બંને પુખ્ત વયની છે અને તેમની “પોતાની સ્વતંત્ર ઇચ્છા”થી આશ્રમમાં રહે છે, તેથી ગેરકાનૂની અટકાયતનો દાવો કરતી અરજી નામંજૂર કરવામાં આવે છે. જોકે આ આદેશ આ કેસ પૂરતો જ છે.
“બ્રેઈનવોશ” બાબત પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મદ્રાસ હાઈકોર્ટ “સંપૂર્ણપણે અયોગ્ય” રીતે કાર્ય કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે મદ્રાસ હાઇકોર્ટે આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને તે પછી તમિલનાડુની પોલીસ આશ્રમમાં તપાસ માટે ગઈ હતી.
સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે પુત્રીઓમાંથી એક પણ સગીર ન નથી. આ પુત્રીઓ આશ્રમમાં જોડાઈ ત્યારે તેમની ઉંમર 27 અને 24 વર્ષની હતી તથા હાઈકોર્ટમાં તેમની હાજરીથી હેબિયસ કોર્પસ પિટિશનનો હેતુ પૂરો થયો છે. તેથી વધુ કોઈ આદેશની જરૂર નથી. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે આ કેસને પોતાની પાસે ટ્રાન્સફર કર્યો હતો અને પોલીસ તપાસ પર રોક મુકી હતી. ગુરુવાર, 3 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ફાઉન્ડેશન સામે તપાસના મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો અને પોલીસને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાની તાકીદ કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ મુજબ આ મામલે પોલીસે હવે કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં.
મદ્રાસ હાઇકોર્ટના આદેશને ઇશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ અરજીની સુનાવણી કરતાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે જણાવ્યું હતું કે પ્રથમ વાત તો એ છે કે તમે આખા પોલીસ કાફલાને આવી સંસ્થામાં આ રીતે મોકલી શકો નહીં… આપણે વધુમાં વધુ ન્યાયિક અધિકારીને પરિસરની મુલાકાત લેવા અને આ બે રહેવાસીઓ સાથે વાત કરવાનું કહી શકીએ છીએ.
અગાઉ નિવૃત્ત પ્રોફેસર ડૉ. એસ કામરાજે દાખલ કરેલી હેબિયસ કોર્પસ પિટિશન પર સુનાવણી કરતી વખતે મદ્રાસ હાઇકોર્ટે ઇશા ફાઉન્ડેશન સામેના તમામ ક્રિમિનલ કેસોની તપાસ કરીને તેનો રીપોર્ટ માંગ્યો હતો. આ પછી મંગળવારે કોઈમ્બતુરના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ રેન્કના અધિકારીની આગેવાનીમાં 150 પોલીસ કર્મચારીઓનો કાફલો થોન્ડમુથુરમાં ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં પ્રવેશ્યો હતો અને તપાસ ચાલુ કરી હતી. ડો. એસ કામરાજે આરોપ મૂક્યો હતો કે તેમની બે પુત્રીઓ ગીથા કામરાજ (42) અને લતા કામરાજ (39)ને કોઈમ્બતુરમાં ફાઉન્ડેશનમાં કેદમાં રાખવામાં આવી છે. આ ફાઉન્ડેશન વ્યક્તિઓનું બ્રેઈનવોશ કરે છે, તેમને સાધુ બનાવી દે છે અને પરિવારો સાથેના તેમના સંપર્કને તોડાવી નાંખે છે.