અમેરિકાએ ન્યૂયોર્ક શહેરમાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાનું નિષ્ફળ ષડયંત્ર રચવા માટે કથિત રીતે ભારતીય ગુપ્તચર અધિકારી સામે આરોપનામું દાખલ કર્યું છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તેના પર ભાડેથી હત્યા કરાવવાનો અને મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો છે.
આ અધિકારી અગાઉ ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) સાથે સંકળાયેલો હતો. તેના પર પન્નુનની હત્યાના પ્રયાસનું સંકલન કરવાનો આરોપ મૂકાયો છે.
રોઇટર્સ અહેવાલ મુજબ અનુસાર આ ભૂતપૂર્વ અધિકારી ભારતમાં રહે છે, પરંતુ અમેરિકન અધિકારીઓ યુએસમાં આરોપોનો સામનો કરવા માટે તેના પ્રત્યાર્પણની માગણી કરે તેવી શક્યતા છે. ભૂતપૂર્વ RAW અધિકારી પર હત્યાને અંજામ આપવા માટે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની ભરતી કરવાનો આરોપ છે. નિખિલ ગુપ્તાની ગયા જૂનમાં પ્રાગમાં ધરપકડ કરાઈ હતી અને તેને અમેરિકા લાવવામાં આવ્યો હતો.
યુએસ સત્તાવાળાઓએ દલીલ કરી હતી કે નિખિલ ગુપ્તાને લાગ્યું હતું કે ખાસ કરીને 2023માં કેનેડામાં અન્ય ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી પન્નુનની તાકીદે હત્યા કરવાની જરૂર છે. આરોપ મુજબ ભૂતપૂર્વ અધિકારી અને ગુપ્તાએ કથિત રીતે એક વ્યક્તિને$100,000માં હત્યા માટેની સોપારી આપી હતી. જોકે ભાડે રાખેલો હત્યારો હકીકતમાં એફબીઆઈનો એક ગુપ્ત બાતમીદાર હતો. જૂન 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાતના થોડા દિવસો પહેલા આ બાતમીદારને ભૂતપૂર્વ અધિકારી અને નિખિલ ગુપ્તા પાસેથી હત્યા માટે $15,000 એડવાન્સ મળ્યા હતાં. આ ટ્રાન્ઝેક્શન ન્યૂયોર્કમાં એક કારમાં થયું હોવાનું કહેવાય છે અને આરોપમાં આ લેવડદેવડનો ફોટો સામેલ કરવામાં આવ્યો છે.
જોકે ભારતના વિદેશ મંત્રાલય જણાવ્યું હતું કે યુએસ ન્યાય વિભાગના આરોપમાં નામ આપવામાં આવેલ “વ્યક્તિ” હવે ભારત સરકારનો કર્મચારી નથી.