FILE PHOTO- Supreme Court of India

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ગુરુવારે જણાવ્યું હતું કે 25 માર્ચ 1971 પછી આસામમાં પ્રવેશેલા તમામ બાંગ્લાદેશી લોકો ગેરકાયદે માઇગ્રન્ટ છે તથા કેન્દ્ર સરકારે આવા લોકોને ઓળખીને તેમનો દેશનિકાલ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવી જોઇએ.

સર્વોચ્ચ અદાલતે આસામ સમજૂતીને માન્યતા આપતી નાગરિકતા ધારાની કલમ 6Aને વાજબી ઠેરવી છે. આ કલમ 1971 પહેલા આવેલા બાંગ્લાદેશી શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ કરે છે. નાગરિકતા ધારામાં 1985માં આ કલમનો ઉમેરો કરાયો હતો. તેનો હેતુ 1966-1971 વચ્ચે ભારતમાં પ્રવેશેલા બાંગ્લાદેશ (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન)ના શરણાર્થીઓને ભારતીય નાગરિક આપવાનો છે. જોકે તે પછી આવેલા લોકોને નાગરિકતા મળશે નહીં.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે 4:1 બહુમતીથી કલમ 6Aને કાયદેસર ઠેરવી હતી. જોકે જસ્ટિસ જેબી પારડીવાલાની અસંમતિ ચુકાદો આપ્યો હતો.
ખંડપીઠે જણાવ્યું હતું કે “કોર્ટના નિર્ણયનો અર્થ એ છે કે 1 જાન્યુઆરી, 1966 અને 25 માર્ચ, 1971 વચ્ચે બાંગ્લાદેશથી આવેલા બિન-નિવાસી ભારતીયો નાગરિકતા માટે પાત્ર છે. આ અંતર્ગત જેમને નાગરિકતા મળી છે તેઓ તેમની નાગરિકતા જાળવી રાખશે.”

સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરીને આ આદેશ જારી કર્યો હતો. અરજીમાં દલીલ કરાઈ હતી કે બાંગ્લાદેશી શરણાર્થીઓના આગમનથી આસામના વસ્તી વિષયક સંતુલન ખોરવાઈ જશે તથા નાગરિકતા કાયદાની કલમ 6A રાજ્યના મૂળ રહેવાસીઓના રાજકીય અને સાંસ્કૃતિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન મોટાપાયે પ્રમાણમાં શરણાર્થીઓને ધસારાને પગલે 15 ઓગસ્ટ 1985માં કેન્દ્ર અને આસામા ચળવળના પ્રતિનિધિઓ વચ્ચે આસામ સમજૂતી થઈ હતી. સુપ્રીમ કોર્ટે 25 માર્ચ, 1971ને વાજબી કટ-ઓફ તારીખ ગણાવી હતી. જસ્ટિસ સૂર્યકાન્તે જણાવ્યું હતું કે “શરતો પૂરી કરવાને આધીન કટ-ઓફ તારીખો વચ્ચે નાગરિકતા આપી શકાય છે. 25 માર્ચ, 1971 પછી આવેલા ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપી શકાય નહીં.

જોકે પોતાના અસંમત ચુકાદામાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલાએ ગુરુવારે જણાવ્યું હતું કે નાગરિકતા કાયદાની કલમ 6A મનસ્વી અને બંધારણીય રીતે અમાન્ય છે. કલમ 6Aની ખુલ્લી પ્રકૃતિથી અને બનાવટી દસ્તાવેજોને કારણે તેનો દુરુપયોગ થઈ શકે છે.

 

LEAVE A REPLY