દિવાળીના તહેવારો પહેલા મોદી કેબિનેટને બુધવારે કેન્દ્રીય કર્મચારીઓ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરીને તેમને દિવાળી ગિફ્ટ આપી હતી. ચાલુ વર્ષના પહેલી જુલાઇની અસરથી મોંઘવારી ભથ્થું (DA)માં 3 ટકાના વધારાથી આશરે એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.
કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રધાનમંડળે દિવાળી પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR)માં બેઝિક પગાર/પેન્શનના ત્રણ ટકા વધારવાની મંજૂરી આપી છે. ડીએ અને ડીઆરમાં વધારો 1 જુલાઈ, 2024થી અમલી બનશે. આ ડીએ અને ડીઆર વધારાથી સરકારની તિજોરી પર રૂ.9,448 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે.
આ વર્ષની શરૂઆતમાં સરકારે 1 જાન્યુઆરી, 2024ની અસરથી DA/DRમાં 4 ટકાનો વધારો કરીને તેને 50 ટકા કર્યું હતું.
પ્રધાને કહ્યું હતું કે ડીએમાં વધારો ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ-ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના 12 મહિનાની સરેરાશ પર આધારિત છે. આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલા અનુસાર છે, જે સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે. તેનાથી કેન્દ્ર સરકારના આશરે 49.18 લાખ કર્મચારીઓ અને 64.89 લાખ પેન્શનરોને ફાયદો થશે.