ગુજરાતના અંકલેશ્વરમાં એક ફેક્ટરીમાંથી રવિવાર, 13 ઓક્ટોબરે રૂ.5,000 કરોડનું ડ્રગ્સ મળી આવવાના કેસમાં પોલીસે આવકાર ડ્રગ્સ નામની કંપનીના ત્રણ ડાયરેક્ટરની ધરપકડ કરી હતી. પોલીસે અશ્વિન રામાણી, બ્રિજેશ કોથિયા, વિજય ભેસાણિયા સહિત અન્ય બે આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે તમામ પાંચ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર હતાં. અન્ય બે આરોપીમાંથી એક ફાર્મા સોલ્યુશન્સ સર્વિસીસ નામની કંપનીના કર્મચારી અને એક વચેટિયાનો સમાવેશ થાય છે.
અગાઉ દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અંકલેશ્વરમાંથી આશરે રૂ.5000 કરોડની કિંમતનું ઓછામાં ઓછું 518 કિલોગ્રામ કોકેન જપ્ત કર્યું હતું અને પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીમાં અગાઉ 700 કિલોગ્રામ કોકેઈન જપ્ત કરાયું હતું અને ગુજરાતનો કેસ પણ તેની સાથે જોડાયેલો છે. આ સાથે અત્યાર સુધીમાં 1,289 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરાયો છે, જેની કિંમત રૂ. 13,000 કરોડથી વધુ છે, આ સંબંધમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે.
દિલ્હી પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અગાઉ 700 કિલો કોકેઈનની જપ્તીની તપાસ દરમિયાન, સ્પેશિયલ સેલને જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી લાવવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે દુબઈ અને યુકેથી ચાલતી કથિત આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ અંગે આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. 2 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ સેલે દક્ષિણ દિલ્હીના મહિપાલપુરમાં એક ગોડાઉનમાંથી 560 કિલોથી વધુ કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાનો અંદાજિત 5,620 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હતો અને ચાર લોકોની ધરપકડ કરી હતી. ત્યારપછી અન્ય બે લોકોને અમૃતસર અને ચેન્નઈમાંથી પકડવામાં આવ્યા હતા.