દિલ્હી અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં, રવિવારે ગુજરાતના અંકલેશ્વરમાંથી આશરે રૂ.5000 કરોડની કિંમતનું ઓછામાં ઓછું 518 કિલોગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે દેશની કોઈપણ એજન્સી દ્વારા આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીમાં અગાઉ 700 કિલોગ્રામ કોકેઈન જપ્ત કરાયું હતું અને ગુજરાતનો કેસ પણ તેની સાથે જોડાયેલો છે. આ સાથે અત્યાર સુધીમાં 1,289 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરાયો છે, જેની કિંમત રૂ. 13,000 કરોડથી વધુ છે, આ સંબંધમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે.
દિલ્હી પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અગાઉ 700 કિલો કોકેઈનની જપ્તીની તપાસ દરમિયાન, સ્પેશિયલ સેલને જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો અંકલેશ્વરની અાવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી લાવવામાં આવ્યો હતો.રવિવારે, સ્પેશિયલ સેલની એક ટીમને ગુજરાત મોકલવામાં આવી હતી અને કંપનીના ગોડાઉનમાંથી કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી પાંચ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે દુબઈ અને યુકેથી ચાલતી કથિત આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ અંગે આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. 2 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ સેલે દક્ષિણ દિલ્હીના મહિપાલપુરમાં એક ગોડાઉનમાંથી 560 કિલોથી વધુ કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાનો અંદાજિત 5,620 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હતો અને ચાર લોકોની ધરપકડ કરી હતી. ત્યારપછી અન્ય બે લોકોને અમૃતસર અને ચેન્નઈમાંથી પકડવામાં આવ્યા હતા.