મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની શનિવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે બે હુમલાખોરોની ધરપકડ કરી હતી. આ આઘાતજનક ઘટનાને પગલે વિપક્ષને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. રાજ્યમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી.
ભૂતપૂર્વ કોંગ્રેસી સિદ્દીકી (66)ને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, પરંતુ ઇજાઓથી તેમનું મૃત્યુ થયું હતું.પોલીસે જણાવ્યું કે બાંદ્રા પૂર્વના નિર્મલ નગરમાં કોલગેટ મેદાન પાસે તેમના ધારાસભ્ય પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.બાબા સિદ્દીકીએ વિધાનસભામાં બાંદ્રા (વેસ્ટ) સીટનું ત્રણ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. મુંબઈના એક અગ્રણી મુસ્લિમ નેતા સિદ્દીક ઘણા બોલિવૂડ સ્ટાર્સને વૈભવી ઇફ્તાર પાર્ટીઓ આપવા માટે જાણીતા છે.
બાબા સિદ્દીકી બોલીવૂડ સાથે તેમની નિકટતાને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહેતા હતાં.દર વર્ષે રમઝાન મહિનામાં બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટી ચર્ચામાં રહેતી હતી. રાજનેતાઓ ઉપરાંત શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાનથી લઈને સંજય દત્ત સુધીની બોલીવૂડની મોટી હસ્તીઓ તેમની ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપતી હતી.એવું માનવામાં આવે છે કે શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે વર્ષો સુધી અણબનાવ ચાલતો હતો ત્યારે બાબા સિદ્દીકીએ તેને ખતમ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.બાબા સિદ્દીકી કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને જાણીતા અભિનેતા સુનીલ દત્તની પણ નજીક હતા.