પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઇઝરાયેલ પર પહેલી ઓક્ટોબરે 180 મિસાઇલ સાથે હુમલો કરવા બદલ અમેરિકાએ શુક્રવારે ઇરાનના ઊર્જા ક્ષેત્ર માટે નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી. અમેરિકાના આ નિર્ણયથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના સપ્લાયને અને તેનાથી ભાવને અસર થવાની ધારણા છે.

અમેરિકાના આ પ્રતિબંધો ખાસ કરીને એશિયાના ખરીદદારો માટે ઇરાની ક્રૂડ ઓઇલનું પરિવહન કરતા ઇરાનના કથિત જહાજો તથા સંયુક્ત આરબ અમીરાત, લાઇબેરિયા, હોંગકોંગ અને અન્ય દેશોમાં રહેલી સંલગ્ન કંપનીઓ પર લાદવામાં આવ્યાં છે.

આ ઉપરાંત અમેરિકાના વિદેશ વિભાગે ઇરાનમાંથી પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના વેચાણ અને પરિવહન માટે કથિત રીતે વ્યવસ્થા કરતી સુરિનામા, ભારત, મલેશિયા અને હોંગકોંગ સ્થિત કંપનીઓની યાદી પણ જાહેર કરી છે. અમેરિકાના હાલના કાયદા મુજબ સરકાર ઇરાનના ક્રૂડ ઓઇલની ખરીદી, વેચાણ અને ટ્રાન્સપોર્ટ કરતી વિદેશી કંપનીઓ અને ઇરાનના ઊર્જા ક્ષેત્ર પર પ્રતિબંધ લાદી શકે છે. પરંતુ ઊર્જા પ્રતિબંધો ઘણીવાર નાજુક મુદ્દો હોય છે, કારણ કે પુરવઠાને પ્રતિબંધિત કરવાથી વૈશ્વિક કોમોડિટીઝના ભાવમાં વધારો થઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને જણાવ્યું હતું કે નવા પ્રતિબંધોથી ઇરાન માટે તેના મિસાઇલ પ્રોગ્રામ અને ત્રાસવાદી ગ્રુપોને સપોર્ટ કરવા માટે નાણાકીય સંસાધનો મેળવવાનું વધુ મુશ્કેલ બનશે. નવા પ્રતિબંધોનો હેતુ ઇરાનને અમેરિકાની ફાઇનાન્શિયલ સિસ્ટમનો ઉપયોગ કરતું રોકવાનો તથા અમેરિકાના નાગરિકોને ઇરાન સાથે કોઇપણ વ્યવહાર કરતાં અટકાવવાનો છે.

ઇરાન અને ઇઝરાયેલ ઘણા વર્ષોથી પ્રોક્સી યુદ્ધ લડી રહ્યાં છે, જોકે બંને વચ્ચે ભાગ્યે જ સીધો સંઘર્ષ થાય છે. જોકે તાજેતરમાં ઇરાનને ઇઝરાયેલા પર મિસાઇલ હુમલા કર્યા હતા અને તેનાથી ઇરાન અને ઇઝરાયેલ માટે સીધા યુદ્ધની ખતરો ઊભો થયો હતો.

 

LEAVE A REPLY