જામનગરના ભૂતપૂર્વ રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાએ દશેરા નિમિત્તે એક મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે પોતાના વારસદાર તરીકે ભારતના જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર અને જામનગરના વતની જામસાહેબના પરિવારના જ સભ્ય અજય જાડેજાને વારસદાર તરીકે જાહેર કર્યા હતા. રાજવી પરિવારનો બહુ મોટો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતાં જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજે દશેરાની પૂર્વ સંધ્યાએ વારસદાર તરીકે અજય જાડેજાની જાહેરાત કરી છે. વર્તમાન જામસાહેબ શત્રુશલ્યસિંહજી નિઃસંતાન છે, આ કારણે તેમને તેમના વારસદારની પસંદગી કરવી પડી હતી. જામસાહેબ શત્રુશલ્યસિંહજીના પિતા દિગ્વિજયસિંહ હતા જેઓ 33 વર્ષ સુધી જામ સાહેબ રહ્યા. તેમના કાકા રણજીતસિંહજીએ તેમને દત્તક લીધા હતા અને તેમના વારસદાર બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટની સ્થાનિક સ્પર્ધા રણજી ટ્રોફી જામસાહેબ રણજીતસિંહના નામે રમાય છે. રણજીતસિંહજી જાડેજા આઝાદી પહેલા ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા હતા. 53 વર્ષીય અજય જાડેજા જામનગરના રાજવી પરિવારના વંશજ છે. અજય જાડેજાએ વારસદાર થવાનું સ્વીકાર્યું છે.
અજય જાડેજા રણજીતસિંહજી અને દિલીપસિંહજીના પરિવારમાંથી આવે છે અને શુક્રવારે તેમને સત્તાવાર રીતે વારસદાર જાહેર કરવામાં આવ્યા હતા. મહાન ક્રિકેટર કુમાર સાહેબ રણજીતસિંહજી 1907થી 1933 સુધી નવાનગરના શાસક હતા. રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી રણજીત સિંહ અને કુમારસાહેબ દિલીપ સિંહના નામ પર રાખવામાં આવી છે. શત્રુશલ્યસિંહજી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતા અને નવાનગરના મહારાજાનું બિરુદ મેળવનાર છેલ્લા વ્યક્તિ હતા.
અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હતા. તેઓ 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમમા હતા અને વાઇસ કેપ્ટન પણ હતા. તેમણે ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 વન ડે મેચ રમી છે.

LEAVE A REPLY