(ANI Photo)

લાઓસના વિએન્ટિઆનમાં 21મી ઇન્ડિયા-આસિયાન શિખર સંમેલનને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારત-આસિયાન વ્યાપક ભાગીદારીને મજબૂત કરવા માટે 10-પોઇન્ટ યોજનાની જાહેરાત કરી હતી. ભારત-આસિયાન ભાગીદારીને વધુ મજબૂત કરવા માટેની 10-પોઇન્ટની યોજનામાં વર્ષ 2025ને આસિયાન-ભારત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાનું, નાલંદા યુનિવર્સિટીમાં શિષ્યવૃત્તિઓની સંખ્યા બમણી કરવી અને ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં આસિયાન દેશોના વિદ્યાર્થીઓ માટે નવી ગ્રાન્ટનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ પ્રાદેશિક સંગઠન સાથેના સંબંધો એશિયાના ભવિષ્યને માટે મહત્વપૂર્ણ છે.મલેશિયા, થાઈલેન્ડ, બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, મ્યાનમાર, ફિલિપાઈન્સ, વિયેતનામ, લાઓસ અને સિંગાપોર સહિતના આસિયાન રાષ્ટ્રોના નેતાઓને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે 21મી સદી ભારત અને આસિયાન દેશોની સદી છે. ભારત તેની એક્ટ ઈસ્ટ પોલિસીની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે, આ નીતિએ ભારત અને આસિયાન રાષ્ટ્રો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને નવી ઊર્જા, દિશા અને ગતિ આપી છે.

શિખર સંમલેન પછી X પર એક પોસ્ટમાં મોદીએ જણાવ્યું હતું કે ભારત-આસિયાન સમિટ ફળદાયી રહી છે. અમે ભારત અને આસિયાન વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કેવી રીતે કરવી તે અંગે ચર્ચાવિચારણા કરી હતી. અમે વ્યાપારી સંબંધો, સાંસ્કૃતિક જોડાણો તથા ટેક્નોલોજી, કનેક્ટિવિટી અને અન્ય ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવા માટે આતુર છીએ.

વડાપ્રધાન મોદીએ યૂથ સમિટ, સ્ટાર્ટ-અપ ફેસ્ટિવલ, હેકાથોન, મ્યુઝિક ફેસ્ટિવલ, આસિયાન-ઈન્ડિયા નેટવર્ક ઓફ થિંક-ટેન્ક્સ અને દિલ્હી ડાયલોગ સહિતના કાર્યક્રમો મારફત એક્ટ ઈસ્ટ પોલિસીના દાયકાની ઉજવણી કરવાની પણ જાહેરાત કરી હતી.

મોદીએ આસિયાન-ઈન્ડિયા સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ હેઠળ આસિયાન-ઈન્ડિયા વુમન સાયન્ટિસ્ટ કોન્ક્લેવનું આયોજન કરવાની પણ જાહેરાત કરી હતી.

વડાપ્રધાને ડિજિટલ અને સાયબર સિક્યોરિટીને મજબૂત કરવા આસિયાન-ઇન્ડિયા સાયબર પોલિસી ડાયલોગ અને ગ્રીન હાઈડ્રોજન પર વર્કશોપનું આયોજન કરવા એક નિયમિત વ્યવસ્થાતંત્ર ઊભું કરવાની પણ જાહેરાત કરી હતી. મોદીએ આસિયાન નેતાઓને પર્યાવરણની સુરક્ષા માટે ‘એક પેડ અપની મા કે નામ’ અભિયાનમાં જોડાવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.

LEAVE A REPLY