22 વખતના ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ચેમ્પિયન સ્પેનના ટેનિસ દિગ્ગજ રાફેલ નડાલે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે ડેવિસ કપ ફાઇનલ પછી પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લેશે. ફ્રેન્ચ ઓપનમાં તેના અપ્રતિમ વર્ચસ્વ માટે જાણીતા નડાલની નિવૃત્તિ ટેનિસમાં એક યુગના અંત દર્શાવે છે.
સોશિયલ મીડિયા X પર નડાલે વીડિયોમાં જણાવ્યું હતું કે ‘હું પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષ મારા માટે આકરા રહ્યા છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં અનેક પડકારો આવ્યાં હતાં. આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે, પરંતુ જીવનમાં દરેક વસ્તુની શરુઆત અને અંત હોય છે.’ 92 વખત ટૂર લેવલ ચેમ્પિયન રહી ચૂકેલો નડાલ PIF ATP રેન્કિંગમાં નંબર વન રહી ચૂક્યો છે.
નડાલે જાહેર કર્યું હતું કે આવતા મહિને રમાનારા ડેવિસ કપ મુકાબલા પછી તે રિટાયરમેન્ટ લઈ લેશે. ઘણા વર્ષો સુધી પુરુષોની ટેનિસમાં બિગ-થ્રીનું સામ્રાજ્ય હતું અને એમાં નડાલ ઉપરાંત રોજર ફેડરર તથા નોવાક જૉકોવિચનો સમાવેશ હતો.રાફેલ નડાલનો જન્મ 1986ની ત્રીજી જૂને સ્પેનના મલૉર્કા શહેરમાં થયો હતો. 2001માં 14 વર્ષની ઉંમરે તે પ્રોફેશનલ ટેનિસ પ્લેયર બન્યો હતો. તે ફ્રેન્ચ ઓપનના સૌથી વધુ 14 સિંગલ્સ ટાઇટલ તેમ જ યુએસ ઓપનના ચાર ટાઇટલ જીત્યો છે. તેની પાસે વિમ્બલ્ડન અને ઑસ્ટ્રેલિયન ઓપનના પણ બે-બે સિંગલ્સ ટાઇટલ છે.