ગુજરાતના સુરત જિલ્લામાં નવરાત્રિ તહેવાર દરમિયાન એક કિશોરી પર ત્રણ વ્યક્તિઓએ કથિત રીતે બળાત્કાર કર્યો હતો. કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં મંગળવારે રાત્રે 11 વાગ્યાના સુમારે નિર્જન જગ્યાએ 17 વર્ષીય કિશોરીનું જાતીય શોષણ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અગાઉ 4 ઓક્ટોબરની રાત્રે વડોદરામાં એક કિશોરી પર ગેંગરેપ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે કિશોરી તેના કોચિંગ ક્લાસમાં હાજરી આપ્યા બાદ તેના મિત્રોને મળવા કિમ ગઈ હતી. રાત્રે લગભગ 10.30 વાગ્યે તેણીએ તેના બે મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાધો હતો. કિશોરી અને તેને મિત્ર તે સમયે મોટા બોરસરા ગામ નજીક હાઇવે પર પેટ્રોલ પંપ પર જવાના રસ્તે નિર્જન જગ્યાએ બેઠા હતા જ્યારે ત્રણ માણસો તેમની પાસે આવ્યા હતા. ત્રણેયે યુવતીને પકડી લીધી હતી અને તેનો મિત્ર ભાગી ગયો હતો. આ પછી ત્રણેયે આ કિશોરી પર વારાફરતી રેપ કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે એક મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી છે અને બે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કથિત ક્રાઈમ સીન પર પહોંચ્યા હતા. કેસની તપાસ માટે દસથી વધુ ટીમો બનાવવામાં આવી હતી. પુરાવા એકત્ર કરવા માટે એક ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમોની મદદ લેવામાં આવી હતી.