ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે 14 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાનારા વિશ્વવિખ્યાત મહાકુંભ મેળાનો લોગોનું ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે અનાવરણ કર્યું હતું. તેમણે આ મહાકુંભની વેબસાઇટ અને એપ પણ લોન્ચ કરી હતી.
આ લોગોમાં કુંભનો પ્રતીક કળશ છે. તેની પાછળ ત્રિવેણી સંગમનું દૃશ્ય છે. તેમાં શહેરના મોટા હનુમાનજીનું ચિત્ર અને મંદિર છે. વેબસાઇટ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વિમાન, રેલવે અને રોડ માર્ગથી મહાકુંભમા પહોંચવા માટે પથદર્શકનું કાર્ય કરશે. યોગી આદિત્યનાથે અધિકારીઓની સાથે મહાકુંભની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજી હતી. એપના માધ્યમથી પ્રયાગરાજમાં રહેવા, સ્થાનિક પરિવહન, પાર્કિંગ, ઘાટ સુધી પહોંચવામાં જરુરી જાણકારી મળશે. મહાકુંભ-2025 દરમિયાન પ્રયાગરાજની શાસ્ત્રીય સરહદમાં માંસ-દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત યોગી આદિત્યનાથે કરી હતી.