ઓલિમ્પિક કુસ્તીબાજ અને કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટે મંગળવારે હરિયાણાની જુલાના વિધાનસભા બેઠક પરથી નજીકના બીજેપી હરીફ યોગેશ કુમારને હરાવીને ચૂંટણીમાં પ્રથમ વિજય મેળવ્યો હતો. ફોગાટે ભાજપના ઉમેદવાર યોગેશ કુમારને 6,015 મતોના માર્જિનથી હરાવ્યાં હતાં.
આ બેઠક પર ફોગાટના વિજયનું ખાસ મહત્ત્વ છે, કારણ કે કોંગ્રેસ 19 વર્ષ પછી પ્રથમ વાર આ બેઠક પર વિજય મેળવી શકી છે. છેલ્લે 2005માં કોંગ્રેસનો આ બેઠકમાંથી વિજય થયો હતો. જુલાના બેઠક પરથી ભાજપે ભૂતપૂર્વ આર્મી કેપ્ટન યોગેશ કુમાર ભૈરાગીને તથા આમ આદમી પાર્ટીએ કુસ્તીબાજ કવિતા દલાલને મેદાનમાં ઉતાર્યા હતા.
કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા ગયા મહિને કોંગ્રેસમાં જોડાઈને રાજકીય અખાડામાં ઉતર્યા હતા. બજરંગ પુનિયાએ ટોક્યો ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે ફોગાટ ઓલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા કુસ્તીબાજ બની હતી. જોકે તે 50-કિગ્રા કેટેગરીના વજનમાં લગભગ 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે ગેરલાયક ઠરી હતી. આ પછી તેને રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
2023માં ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને તત્કાલીન રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપો સાથે વિરોધી દેખાવો થયા ત્યારે પુનિયા અને ફોગાટે આગેવાની લીધી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપે જણાવ્યું હતું કે વિનેશ ફોગાટ ભારતની દીકરીમાંથી કોંગ્રેસની દીકરી બનવા માગતી હોય તો અમને કોઇ વાંધો નથી.