ગ્વાલિયરના ન્યૂ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે T20I મેચ દરમિયાન બાંગ્લાદેશના જેકર અલીની વિકેટની લીધા પછી ભારતના વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદર . (ANI Photo)

ભારતની યુવા અને અનુભવી ટી20 ટીમે ગ્વાલિયરમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં રવિવારે પ્રવાસી બાંગ્લાદેશ સામે ઝંઝાવાતી, આક્રમક રમત સાથે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. સુકાની સૂર્યકુમાર યાદવે ટોસ જીતી બાંગ્લાદેશને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું અને બોલર્સના વેધક અંદાજ સાથેના દેખાવના પગલે પ્રવાસી ટીમ 19.5 ઓવરમાં 127 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી.

ઓફ સ્પિનર વરૂણ ચક્રવર્તીએ શાનદાર પુનરાગમન સાથે તથા ઝડપી બોલર અર્શદીપ સિંઘે પણ શાનદાર બોલિંગ સાથે ત્રણ-ત્રણ વિકેટો ખેરવી હતી, તો નવોદિત મયંક યાદવ, વોશિંગ્ટન સુંદર અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ ખેરવી હતી. અર્શદીપે પહેલી અને બીજી ઓવરમાં જ વિકેટો ખેરવી બાંગ્લાદેશની હાલત કફોડી કરી હતી, તો એ પછી અણનમ રહેલો મેહદી હસન મિરાઝ એકમાત્ર એવો બેટર હતો કે જેણે 32 બોલ રમી 35 રનનો સર્વોચ્ચ સ્કોર કર્યો હતો. તે સિવાય સુકાની શાંટોએ 25 બોલમાં 27 રન કર્યા હતા અને તે લડાયક મૂડમાં દેખાતો હતો ત્યારે વોશિંગ્ટન સુંદરે પોતાની જ બોલિંગમાં તેનો વળતો કેચ ઝડપી લીધો હતો. બાંગ્લાદેશના છ બેટર બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા નહોતા.

તેના જવાબમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી અને અભિષેક શર્મા કમનસીબે રનઆઉટ થયો હતો, જ્યારે સુકાની સૂર્યકુમાર યાદવ આક્રમક બેટિંગ કરવાના પગલે જ વિદાય થયો હતો. હાર્દિક પંડ્યા તેની જુની, આક્રમક બેટિંગથી છવાઈ ગયો હતો અને તેણે ફક્ત 16 બોલમાં બે છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે અણનમ રહી 39 રન કર્યા હતા, જેમાં વિજયી છગ્ગાનો પણ સમાવેશ થતો હતો.અર્શદીપને તેની વેધક શરૂઆત તથા 3.5 ઓવરમાં ફક્ત 14 રન આપી ત્રણ વિકેટની કરકસરયુક્ત બોલિંગ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

નવોદિત મયંક યાદવની ઈન્ટરનેશનલ કારકિર્દીની પ્રથમ મેચ યાદગાર રહી હતી. તેણે પહેલી ઓવર મેઈડન કરી હતી, તે સાથે ભારત તરફથી ઈન્ટરનેશનલ કારકિર્દીની પહેલી ઓવરમાં એકપણ રન નહીં આપનારો તે ફક્ત ત્રીજો બોલર બન્યો હતો. આ અગાઉ આવી સિદ્ધિ તેના હાલના સાથી અર્શદીપ તથા અજીત અગરકરે અગાઉ મેળવી હતી. એકંદરે પણ મયંકની બોલિંગ વેધક અને નિયંત્રિત રહી હતી, તેણે ચાર ઓવરમાં ફક્ત 21 રન આપ્યા હતા.

LEAVE A REPLY