ગયા વર્ષના નવેમ્બરથી ભારત સાથે વણસેલા સંબંધોમાં સુધારો કરવા માટે માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુ , 6થી 10 ઓક્ટોબર સુધી પાંચ દિવસની ભારતની મુલાકાતે આવ્યાં હતાં.
માલદીવના નેતા સોમવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મોદી દ્વારા તેમનું ઔપચારિક સ્વાગત કરાયું હતું. તેમના ઔપચારિક સ્વાગત બાદ મુઇઝુ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ જવા રવાના થયા હતાં. તેમણે હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.
ભારતની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતે આવેલા મુઇઝુએ જણાવ્યું હતું કે માલદીવ ભારતની સુરક્ષાને નબળી પાડવાનું કાર્ય કરશે નહીં અને નવી દિલ્હીને “એક મૂલ્યવાન ભાગીદાર અને મિત્ર” તરીકે જુએ છે, અને સંરક્ષણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહકાર “હંમેશા પ્રાથમિકતા રહેશે”
દિલ્હી ઉપરાંત તેઓ મુંબઈ અને બેંગલુરુની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ બિઝનેસ ઈવેન્ટ્સમાં હાજરી આપશે. ચીન તરફી ઝુકાવ માટે જાણીતા મુઇઝુએ નવેમ્બરમાં ટોચના હોદ્દો સંભાળ્યો ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો કથળ્યાં છે. શપથ લીધાના થોડા કલાકોમાં જ તેમણે પોતાના દેશમાંથી ભારતીય સૈન્ય જવાનોને પાછા ખેંચવાની માંગ કરી હતી.