વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે પ્રથમ વખત લીધેલા શપથની ઉજવણી કરવા માટે ગુજરાત સરકારે સાત ઓક્ટોબરથી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી ચાલુ કરી હતી.
રાજ્યના પ્રધાન રૂષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે 7-15 ઓક્ટોબરને વિકાસ સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. કેબિનેટે 1 એપ્રિલ, 2005 પહેલા ફિક્સ પગારના ધોરણે નિયુક્ત થયેલા 60,000થી વધુ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના અને અન્ય લાભો આપવાનો પણ નિર્ણય કર્યો હતો. વિકાસ સપ્તાહ દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિઓ જેવા કાર્યક્રમોનું આયોજન કરાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સુરત ડાયમંડ બોર્સ સહિત 23 સ્થળોએ ‘વિકાસ વોક’ યોજવામાં આવશે. આ રીતે સરકાર છેલ્લા 23 વર્ષમાં મોદીની વિકાસ સિદ્ધિઓની ઉજવણી કરશે.
પ્રધાને જણાવ્યું હતું કે મોદીજીના નેતૃત્વ હેઠળની બહુપક્ષીય વિકાસ યાત્રા અને સુશાસનની સફળતાને ઉજવવા અને પ્રકાશિત કરવા માટે, રાજ્યમાં દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. સપ્તાહભરની ઉજવણી દરમિયાન નાગરિકો મોદીના શાસનની પહેલો અને સામાજિક જીવન પર તેમની અસર વિશે તેમના અનુભવો સોશિયલ અને ડિજિટલ મીડિયા દ્વારા #વિકાસસપ્તાહ હેશટેગનો ઉપયોગ કરીને શેર કરવાની તક મળશે.આ વિકાસ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ અને યુવાનોને જોડવાની વ્યાપક યોજનાના ભાગરૂપે શાળાઓ અને કોલેજોમાં વિકાસ-થીમ આધારિત નિબંધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાશે.વિકાસ પ્રક્રિયામાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવશે.
સપ્તાહ દરમિયાન પ્રખ્યાત સ્થળોની દિવાલો પર વિવિધ ક્ષેત્રોમાં રાજ્યની 23 વર્ષની વિકાસ યાત્રાને દર્શાવતા પેઇન્ટિંગ કરાશે. આ સમયગાળા દરમિયાન રૂ.3,500 કરોડથી વધુની અનેક વિકાસ યોજનાઓ શરૂ કરાશે.
પ્રધાને જણાવ્યું હતું કે “તત્કાલીન મુખ્ય પ્રધાન તરીકે, મોદીએ પરંપરાગત રીતે શાસન કરવાનું પસંદ કર્યું ન હતું, પરંતુ તેના બદલે નીતિ-આધારિત શાસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેના મારફત ગુજરાતનો ઔદ્યોગિક, કૃષિ અને સેવા ક્ષેત્રોમાં વિકાસને પ્રોત્સાહન આપીને ગુજરાતને વિકાસનું મોડેલ બનાવ્યું છે. મોદીના નેતૃત્વમાં 23 વર્ષની પ્રગતિએ ગુજરાતની વૈશ્વિક પ્રતિષ્ઠા “વિકાસના પ્રતિક” તરીકે મજબૂત કરી છે. મોદીએ “ઉર્જા શક્તિ, જલ શક્તિ, જ્ઞાન શક્તિ, જન શક્તિ અને રક્ષા શક્તિ પક ગુજરાતનો વિકાસ પાયો નાખ્યો હતો, જે રાજ્યને પ્રગતિના પંથે લઈ ગયો હતો.