અમદાવાદમાં મેટ્રો ટ્રેન સર્વિસ શરૂ થયાને બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં વસ્ત્રાલથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સુધીના રૂટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મેટ્રો રેલ સેવાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ, હજુ પણ ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન માટે તે ખોટનો બિઝનેસ છે. અધિકૃત આંકડામાં જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2022-23માં તેની ખોટ રૂ. 321 કરોડની થઇ હતી. કોર્પોરેશનને વર્ષ 2022-23માં દરરોજ સરેરાશ 87 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. જ્યારે વર્ષ 2021-22ની સરખામણીએ ખોટમાં ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2021-22માં 465 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. હવે નવા રૂટ અને વધી રહેલા મુસાફરોને પગલે ખોટની આ રકમ દર વર્ષે ઘટે તેવી સંભાવના છે. ટુ વ્હિલરની સરખામણીએ મેટ્રોમાં મુસાફરીથી સમયમાં 35થી 40 મિનિટની જ્યારે ખિસ્સાને 50 રૂપિયા સુધીની બચત થાય છે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી વાહનમાં અંદાજે 26 કિલોમીટર અંતર થાય છે. આ જ રીતે નોર્થ વેસ્ટ કોરિડોરમાં એપીએમસીથી મોટેરાનો મેટ્રોમાં રૂટ અંદાજે 18 કિલોમીટર છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઑક્ટોબર 2022થી ઑગસ્ટ 2024 સુધી મેટ્રોમાં દરરોજ સરેરાશ 72514 મુસાફરોથી 8.88 લાખ રૂપિયાની આવક થઈ છે. આ વર્ષે જાન્યુઆરીથી ઑગસ્ટ સુધી મેટ્રોમાં 2.31 કરોડ મુસાફરો નોંધાયા છે, જ્યારે 27.47 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેની સરખામણીએ ગત વર્ષે 2.53 કરોડ મુસાફરો નોંધાયા હતા. ગત મહિને મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોરના આંશિક રૂટનું ઉદ્ઘાટન કરાયું હતું. જ્યારે જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે.