ભારતીય એરલાઇન ઇન્ડિગોના સહ-સ્થાપક રાકેશ ગંગવાલે 30 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબરે અમેરિકન એરલાઇન્સ સાઉથવેસ્ટના 3.6 મિલિયન શેર ખરીદ્યા હતાં. તેમણે શેર દીઠ $29 અને $30નો ભાવ ચુક્યો હતો. આમ તેમણે આ એરલાઇનમાં આશરે $100 મિલિયનનો હિસ્સો ખરીદ્યો હતો, એમ એસઇસી ફાઇલિંગમાં જણાવાયું હતું.
ગંગવાલે જણાવ્યું હતું કે ડિરેક્ટરો અને અન્ય ઇન્સાઇડર લોકો માટે ટ્રેડિંગ વિન્ડો ખોલવામાં આવી ત્યારે તેમણે આ ખરીદી કરી હતી. સાઉથવેસ્ટે જુલાઇમાં ગંગવાલને તેના બોર્ડમાં સામેલ કર્યા હતાં.
કંપનીના એક્ટિવિસ્ટ ઇન્વેસ્ટર ઇલિયટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ હાલમાં સાઉથવેસ્ટના મેનેજમેન્ટ અને વ્યૂહરચનામાં ફેરફાર કરવાનું ભારે દબાણ કરી રહી છે. આવા સમયે ગંગવાલે આ હિસ્સો ખરીદ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે ઇન્ડિગોને ભારતના એવિયેશન ઇતિહાસની સૌથી સફળ એરલાઇન માનવામાં આવે છે. ગંગવાલના રોકાણ પછી સાઉથ વેસ્ટના શેરના ભાવમાં પણ ઉછાળો આવ્યો હતો.
ગયા મહિને સાઉથવેસ્ટે જણાવ્યું હતું કે એક્ઝિક્યુટિવ ચેરમેન ગેરી કેલી રાજીનામું આપશે અને અન્ય છ ડિરેક્ટર તેના 15 સભ્યોના બોર્ડમાંથી નિવૃત્ત થશે. ઇલિયટ કંપનીના સીઇઓ બોબ જોર્ડનની હકાલપટ્ટી સહિત ટોચના હોદ્દા પર વધુ ફેરફારોની માગણીઓ માટે અડગ છે. ગયા અઠવાડિયે તેને જણાવ્યું હતું કે તે ફેરફારો માટે દબાણ કરવા માટે શેરહોલ્ડર મીટિંગ બોલાવવાની યોજના ધરાવે છે.