લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. આ શો છોડીને જનારા અનેક કલાકારોએ તેના નિર્માતાના ખરાબ વ્યવહાર અંગે અનેક આક્ષેપ કર્યા હતા, હવે તેમાં વધુ એક મહિલા કલાકારનું નામ પણ જોડાયું છે.
આ શોમાં ભિડેની દીકરી સોનુની ભૂમિકા ભજવનાર પલક સિધવાનીએ નિર્માતા પર માનસિક હેરાનગતિનો આક્ષેપ મુક્યો છે. આ બધું ત્યારે બહાર આવ્યું જ્યારે નિર્માતાઓએ અભિનેત્રી વિરુદ્ધ કાનૂની નોટિસ જાહેર કરી હતી. પલકને કહ્યું કે તે શો છોડવા માગે છે અને તેના કારણે તેને પરેશાન કરી રહ્યા છે.
હવે પલકે એક નવા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની તબિયત ખરાબ છે અને તેથી જ તે શો છોડવા માગતી હતી. એક ચેનલ સાથે વાત કરતાં પલકે કહ્યું કે તે ગયા વર્ષથી શો છોડવા માગતી હતી કારણ કે તેની તબિયત સારી નહોતી. “મેં હંમેશા વિચાર્યું કે હું ત્રણ વર્ષ ટીવી પર કામ કરીશ અને પછી બ્રેક લઈશ. ક્યારેક ટીવી ખૂબ જ વ્યસ્ત બની જાય છે કારણ કે તમે 20થી 27 દિવસ કામ કરો છો.
પોતાની સમસ્યા અંગે પલક કહે છે, `મારી શારીરિક તકલીફના કારણે ડોક્ટરે મને ઓછો તણાવ લેવા, સારી ઊંઘ અને ઓછું કામ કરવા જેવી સારી જીવનશૈલી જાળવવાનું કહ્યું છે, પરંતુ આ શક્ય નહોતું. હું ડિસેમ્બર 2023થી શો છોડવા ઇચ્છતી હતી. આ અંગે મે પ્રોડક્શન હેડને જાણ કરી હતી. મારી વાત સાંભળીને તેણે કહ્યું ના, અત્યારે નહીં કારણ કે કોઈ અન્ય અભિનેતા જઈ રહ્યો છે. પલકે કહ્યું કે મેકર્સ પણ તેને દોઢ વર્ષ સુધી રાહ જોવાનું કહેતા હતા, પરંતુ તેણે 3 મહિનામાં વિદાય લેવાનું નક્કી કર્યું. હું થોડો સમય રોકાઈ ગઈ, પણ પછી તેની અસર મારા આરોગ્ય પર થઈ. જો હું ખુશ ન હોઉં તો હું છોડી દઈશ. પલકે કહ્યું કે મેકર્સ સાથેના વિવાદ પછી પણ મેં કામ કર્યું કારણ કે મારા સાથી કલાકારોએ મને સારી રીતે કામ કરવામાં મદદ કરી હતી. શોમાં તેણે આટલા વર્ષો સુધી કરેલી મહેનત વેડફાઈ ગઈ છે, એમ પણ પલકે કહ્યું હતું.