બ્રિટનના વિપક્ષના વચગાળાના નેતા અને પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે કન્ઝર્વેટિવ પાર્ટીના વડા તરીકેના તેમના અંતિમ સંબોધનમાં પોતાના સાથીદારોને આંતરિક કલહ બંધ કરવા અને અનુગામી નેતાને ટેકો આપવા એક થવા આહ્વાન કર્યું હતું.
ટોરી સભ્યો દ્વારા ઉષ્માભર્યા સ્વાગત બાદ પત્ની અક્ષતા મૂર્તિ સાથે ઉપસ્થિત રહેલા 44 વર્ષીય સુનકે રવિવારે સાંજે બર્મિંગહામમાં કન્ઝર્વેટિવ પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સમાં કહ્યું હતું કે “હું આપણા દેશના લાંબા ગાળાના ભવિષ્ય વિશે અને આપણી પાર્ટીના ભવિષ્ય વિશે આશાવાદી છું. જે કોઈ નેતા આ હરીફાઈ જીતે તેમને તમારું સમર્થન આપજો. આપણે ભાગલા અને ઝઘડાનો અંત લાવવો જોઈએ. આપણે જૂનો અણગમો ન રાખતાં નવી મિત્રતા બાંધવી જોઈએ. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણને શું એક કરે છે. કેમ કે જ્યાં આપણે પોતાની જાતને આગળ ધપાવીએ છીએ, ત્યારે આપણે હારી જઈએ છીએ અને લેબર સરકાર જીતે છે.”
ટોરી પક્ષના નેતાપદ માટે ભૂતપૂર્વ મિનિસ્ટર્સ જેમ્સ ક્લેવરલી, કેમી બેડેનોક, રોબર્ટ જેનરિક અને ટોમ ટૂગેન્ધાટમાંથી કોઈપણ એકને સમર્થન આપવાનું ટાળતા કહ્યું હતું કે “મજબૂત નેતૃત્વ માટે જેમ્સ, કેમી, રોબર્ટ અને ટોમ જેવા ઉમેદવારોનો સ્લોટ છે. હું તેમની સાથે કેબિનેટ ટેબલ પર બેઠો હતો, અને હું તમને કહી શકું છું, તેઓ બધા સારા કન્ઝર્વેટીવ છે જેઓ આ દેશનું સારી રીતે નેતૃત્વ કરશે અને કેર સ્ટાર્મર કરતા વધુ સારા વડાપ્રધાન બનશે. તેથી, ચાલો આ કોન્ફરન્સનો ઉપયોગ ભવિષ્ય તરફ જોવા માટે કરીએ અને ખાતરી કરીએ કે આ ચાર ઉમેદવારોમાંથી એક માત્ર અમારી પાર્ટીના આગામી નેતા જ નહિં આપણા આગામી વડા પ્રધાન પણ છે.”
સુનકે વડા પ્રધાન કેર સ્ટાર્મર અને તેમના લેબર પાર્ટીના સાથીદારોની આસપાસ ચાલી રહેલા મીડિયાના આક્ષેપો, દાતાઓ પાસેથી સ્વીકારેલી મોંઘી ભેટો બાબતે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે “હવે લોકો જોઈ શકે છે કે ચૂંટણી વખતે લેબર તેમની સાથે નિખાલસ ન હતું. લેબર ખોટું કરી રહી છે.”
બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના ચાન્સેલર અને પછી વડા પ્રધાન બનેલા રિચમન્ડ અને નોર્થલર્ટનના સાંસદ સુનકે દાવો કર્યો હતો કે ‘’અમે ઇતિહાસના કેટલાક સૌથી મોટા પડકારોમાંથી યુકેને સફળતાપૂર્વક બહાર કાઢ્યું હતું. અમે કોવિડ વખતે લોકો અને બિઝનેસીસને ફર્લો દ્વારા મદદ કરી હતી, NHSને રેકોર્ડ ભંડોળ પૂરું પાડ્યું હતું અને વિશ્વમાં સૌથી ઝડપી વેક્સિન રોલઆઉટ કર્યું હતું. અમે આખી પેઢીને તકો આપી છે જે તેમને અન્યથા મળી ન હોત. આપણો દેશ આવનારી પેઢીઓ માટે તે સુધારાઓનો લાભ મેળવશે, અને તે એક વારસો છે જેનો આપણે કન્ઝર્વેટિવોએ ગર્વ કરવો જોઈએ.”
બુધવારે ટોરી કોન્ફરન્સના અંતે, ટોરી નેતૃત્વ હરીફાઈ માટે અંતિમ બે ઉમેદવારો બાકી રહેશે જેમને માટે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો ઓનલાઈન મતદાન કરશે. કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતાની 2 નવેમ્બરના રોજ ઘોષણા થવાની છે અને તેઓ હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષના નેતા તરીકેનું સ્થાન લેશે.