કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ઋષિ સુનકને સ્થાને હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષના નેતા તરીકે સ્થાન મેળવવાની રેસમાં જોડાયેલા ટોરી નેતૃત્વના દાવેદાર અને ભૂતપૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે માંગણી કરી છે કે પોતાના દેશના ઇલીગલ માઇગ્રન્ટ્સને પરત નહિં લેનાર ભારત અને અન્ય દેશોના લોકોના તમામ પ્રકારના વિઝા પર પ્રતિબંધ મૂકવો જોઇએ. આ માટે જેનરિકે પાંચ-પોઇન્ટનો પ્લાન બનાવ્યો છે. તો તેમના નજીકના દાવેદાર, શેડો હાઉસિંગ સેક્રેટરી કેમી બેડેનોકે પણ આ જ મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ભારતથી આવતા માઇગ્રન્ટ્સ યુકેની શેરીઓમાં અશાંતિ ફેલાવવા માટે ભારતમાંથી તેમના વિવાદો સાથે લઇ આવે છે.

બર્મિંગહામમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં બોલતા ટોરી પક્ષના નેતૃત્વની હરીફાઈમાં ભાગ લઇ રહેલા જેનરિકે જણાવ્યું હતું કે બ્રિટને એવા દેશો સાથે “હાર્ડ બોલ”થી રમવું જોઈએ જેઓ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને પાછા લેવામાં નિષ્ફળ ગયા છે. આ ઉપરાંત સ્કીલ વર્ક, વિદ્યાર્થીઓ, વિઝીટર્સ અથવા પ્રવાસીઓની એન્ટ્રી સહિત યુકેમાં દેશોમાંથી કોઈપણ અથવા તમામ વિઝા રૂટ સ્થગિત કરવા જોઈએ.”

શ્રી જેનરિકે ભારતને ટાંકતા ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ ને જણાવ્યું હતું કે ‘’ભારતના નાગરિકોએ પાછલા વર્ષમાં 250,000 વિઝાનો લાભ લીધો હતો. હાલમાં 100,000 જેટલા ભારતીય નાગરિકો યુકેમાં ગેરકાયદેસર રહેતા હોવાનો અંદાજ છે, તેમ છતાં તેમને ભારત પરત મોકલવા અથવા કાઢી મૂકવામાં આવતા નથી. જે દેશો તેમના ગેરકાયદેસર રીતે આવેલા નાગરિકોને પાછા ન લેતા હોય તો સરકારે ગંભીર વિઝા નિયંત્રણો લાદીને અને વિદેશી સહાય પર પ્રતિબંધ લાદીને અન્ય દેશોને આપણી ઉદારતાનો દુરુપયોગ અટકાવવો જોઈએ.’’

ટોરી નેતૃત્વની ચૂંટણી માટે ફેવરિટ મનાતા નાઇજિરિયન-હેરિટેજના કેમી બેડેનોકે સપ્ટેમ્બર 2022 માં લેસ્ટરમાં ફાટી નીકળેલી અથડામણોનો સંદર્ભ આપતાં બીબીસીને કહ્યું હતું કે “તાજેતરમાં આ દેશમાં આવેલા ઘણા લોકો એવા છે કે જેઓ તેમના મૂળના દેશોમાંથી મંતવ્યો અહિં લાવ્યા છે જેનું અહીં કોઈ સ્થાન નથી. મેં ઇક્વાલીટી મિનિસ્ટર તરીકે લેસ્ટરની શેરીઓમાં લોકોને ભારતમાંથી સાંસ્કૃતિક વિવાદો લાવતા જોયા છે. આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે જ્યારે લોકો આ દેશમાં આવે છે, ત્યારે તેઓ તેમના અગાઉના મતભેદોને પાછળ છોડી દે. આ કહેવા માટે કોઈ વિવાદાસ્પદ બાબત નથી.”

અત્રે ઉલ્લેખનીય છે કે વિયેતનામીસ નાગરીકો જુન સુધી નાની બોટમાં યુકે આવેલા લોકોનું ત્રીજું સૌથી મોટું જૂથ હતું. વિયેતનામના 18,908 લોકોને તે જ સમયગાળા દરમિયાન  વિઝીટર વિઝા આપ્યા હતા. જો કે, ગયા વર્ષે અહીંથી ફક્ત 153 વિયેતનામીઝ નાગરિકો પરત ગયા હતા.

સરકારે છેલ્લા એક દાયકામાં ઈરાકને £400 મિલિયન, સોમાલિયા, અફઘાનિસ્તાન અને ઇથોપિયાને £542 મિલિયનની સહાય કરી છે. તેમ છતાં તે દેશો પોતાના ગેરકાયદસર માઇગ્રન્ટ્સને પરત લેતા નથી. સરકારે ગંભીર વિઝા પ્રતિબંધો લાદીને અન્ય દેશોને આપણી ઉદારતાનું શોષણ કરતા અટકાવવું જોઈએ’

તેમણે યુકેને માનવાધિકાર પર યુરોપિયન કન્વેન્શન (ઇસીએચઆર) છોડવા માટેના તેમના કૉલનું પુનરાવર્તન કર્યું હતું જે તમામ વિદેશી અપરાધીઓને દેશનિકાલ કરવાનું સરળ બનાવશે.

LEAVE A REPLY