શારદીય નવરાત્રિનો બુધવાર, ત્રીજી ઓક્ટોબરથી શુભારંભ થયો હતો. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે અને ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ વ્યક્ત કરવાનો અવસર એટલે નવરાત્રિ. નવરાત્રિના ઉત્સવની ધ્યાનમાં રાખીને શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી મંદિર સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું. બીજી તરફ ઉત્સવ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સરકારે પણ પૂરતો બંદોબસ્ત કર્યો હતો.
ઉપાસના શરૂ કરવા તેમજ ઘટ સ્થાપન માટે સવારે 6:31થી વિવિધ મુહૂર્ત હતાં. ચાર નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. પૃથ્વી પર જેટલા વ્રતો છે તેમાં નવરાત્રિ વ્રતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
નવલા નોરતાનો પ્રારંભ સાથે દેશભરના મંદિરો તેમજ ઘરોમાં સવારથી જ ઘટસ્થાપન અને પંડાલોમાં દેવી માતાની ધામધૂમથી પૂજા ચાલુ થઈ હતી. નવરાત્રિમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે. મા વૈષ્ણોદેવી, મનસા દેવી, માતા કામાખ્યા મંદિર જેવા ભારતમાં આવેલા માતાજીના મોટા મંદિરોમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરીને મા દુર્ગાની પૂજા કરાઈ હતી.
વડોદરા શહેરના નાના-મોટા સહિત તમામ માઇ મંદિરોમાં માઈભક્તોની ભીડ સવારથી જ જોવા મળી હતી. શહેર નજીક આવેલા રણુ ગામના તુલજા ભવાની મંદિરે નવરાત્રી નિમિત્તે પ્રતિ વર્ષ મેળો ભરાય છે. પાવાગઢ ખાતે આવેલા મહાકાળી મંદિરે પણ નવરાત્રીના નવે નવ દિવસ માઈ ભક્તો માતાજીની ભક્તિ આરાધના અંગે ઉમટશે પ્રતિદિન એકાદ લાખ માઈ ભક્તો આરાધના કરશે.
નોરતાં નિમિત્તે અંબાજી મંદિરમાં ગંધાષ્ટકમનું પૂજન કરી અંબાજી ઉપરાંત અન્ય મંદિરોમાં અષ્ટગંધાષ્ટકમ અર્પણ કરવામાં આવશે. ગુજરાત સહિત દેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા આરાસુરી અંબાજી મંદિર, ઊંઝા ઉમિયા મંદિર, અમદાવાદ ભદ્રકાલી મંદિર, માધુપુરા અંબાજી મંદિર, પાવાગઢ મહાકાલી મંદિર, બહુચરાજી ખાતે બહુચર મંદિર, કચ્છ આશાપુરા માતાજી, ચોટીલા ચામુંડા મંદિર, ભાવનગર ખોડિયાર માતાનું અને વરદાયિની માતા મંદિર, રુપાલ ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સહયોગથી નવરાત્રિના પવિત્ર ઉત્સવોની તૈયારી ચાલું કરાઈ હતી.